વારંવાર ગુટકા વેચતા લોકો માટે આવી રહ્યો છે MCOCA જેવો કડક કાયદો

10 December, 2025 07:50 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કબૂલ કરતાં કહ્યું હતું કે ‘હાલની કાયદાકીય વ્યવસ્થા નબળી હોવાથી આવા કેસમાં પકડાયેલા આરોપીઓ તરત જ જામીન લઈને બહાર આવી જાય છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

રાજ્યમાં ગેરકાયદે વેચાતા ગુટકાના વેપારને નાથવા હાલની કાયદાકીય વ્યવસ્થા ઊણી ઊતરી રહી છે અને એની સામે ઉગામવામાં આવતા કાયદા બહુ નબળા છે એવું કબૂલ કરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ બાબતે હવે જે લોકો ગેરકાયદે ગુટકાનું વેચાણ કરતા વારંવાર પકડાય છે અને તેમની સાથે જે સિન્ડિકેટ સંકળાયેલી છે તેમની સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) જેવો કડક કાયદો અમલમાં લાવવાનું વિચારી રહી છે. 

વિધાનસભ્ય પ્રશાંત ઠાકુરે ગઈ કાલે વિધાનસભાના સત્રમાં ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘હાલના કાયદાને અવગણીને સ્કૂલો અને કૉલેજોના ૧૦૦ મીટરની અંદર છૂટથી ગુટકા વેચાય છે એટલું જ નહીં, આ બાબતે ઑથોરિટી દ્વારા કડક ચેતવણી આપવા છતાં સગીરોને પણ એ વેચવામાં આવે છે. એથી સરકારે સ્કૂલ-કૉલેજની આસપાસ સ્ટ્રિક્ટ મૉનિટરિંગ ટીમ ગોઠવવી જોઈએ અને જે પણ વ્યક્તિ એ કાયદાનો ભંગ કરતી દેખાય તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.’

વિધાનસભ્ય રઈસ શેખે આ બાબતે સરકારનું ધ્યાન દોરતાં કહ્યું હતું કે ‘ભિવંડી હવે ગેરકાયદે ગુટકા-વેચાણનું ટ્રાન્ઝિટ હબ બની ગયું છે. રોજ ટ્રક ભરીને ગેરકાયદે ગુટકા ગુજરાતથી ભિવંડીમાં આવે છે. એ પછી વ્યવસ્થિત રીતે ચાલતી સિન્ડિકેટ એને આખા રાજ્યમાં ડિસ્ટ્રિબ્યુટ કરે છે. જો આ બધું આમ જ ચાલતું રહ્યું તો હાલત બદતર થઈ જશે. આ માટે સ્પેશ્યલાઇઝ્ડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે.’ 

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કબૂલ કરતાં કહ્યું હતું કે ‘હાલની કાયદાકીય વ્યવસ્થા નબળી હોવાથી આવા કેસમાં પકડાયેલા આરોપીઓ તરત જ જામીન લઈને બહાર આવી જાય છે. એથી તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહીનો કોઈ અર્થ સરતો નથી. આ જ કારણ છે કે અમે તો કાર્યવાહી કરીએ છીએ અને તેમને પકડીએ પણ છીએ, છતાં તેઓ આ વેપાર કરતા જ રહે છે. અમે આ બાબતે વારંવાર એ કરનારાઓ કે પછી સિન્ડિકેટ ચલાવનારાઓ સામે MCOCA જેવો કડક કાયદો લાવવાનું વિચારી રહ્યા છીએ. એ પછી જ આ કાર્ટેલને ફરક પડી શકશે. એની સાથે જ રાજ્યની સરહદ પરથી ઘુસાડવામાં આવતા ગુટકા પર કાર્યવાહી કરવા ખાસ એ માટેની મલ્ટિ-ટાસ્ક ફોર્સ બનાવવાનું પણ વિચારી રહ્યા છીએ.’ 

mumbai news mumbai devendra fadnavis Crime News maharashtra government maharashtra news maharashtra