01 July, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છેક છેલ્લી ઘડીએ ટ્રેનમાંથી બહાર આવી ગયેલું બાળક, અટેન્ડન્ટ દોડીને બાળક પાસે પહોંચ્યો. દરવાજા ખૂલતાં જ તેના પરિવારના લોકોને જોઈને બાળક અંદર ચાલ્યું ગયું.
મેટ્રો–2Aના બાંગુરનગર સ્ટેશન પર રવિવારે પ્લૅટફૉર્મ પર હાજર સ્ટેશન-અટેન્ડન્ટે સાવચેતી દાખવીને છેલ્લી ઘડીએ ટ્રેનમાંથી બહાર દોડી આવેલા બાળકને ટ્રેનના બંધ થઈ ગયેલા દરવાજા ફરી ખોલાવીને તેના પરિવાર પાસે મોકલ્યું હતું અને ત્યાર બાદ ટ્રેન ચાલુ કરાવી હતી. આ આખી ઘટના પ્લૅટફૉર્મ પર લગાડવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી.
બાળકને બહાર આવી ગયેલું જોઈને અટેન્ડન્ટે પાઇલટને ટ્રેન રોકવાનું કહીને દરવાજા ખોલવા કહ્યું.
CCTVનાં ફુટેજમાં દેખાય છે કે ટ્રેન પ્લૅટફૉર્મ પર ઊભી છે અને એના દરવાજા બંધ થાય એ જ વખતે એક બાળક ટ્રેનમાંથી પ્લૅટફૉર્મ પર આવી જાય છે અને દરવાજા બંધ થઈ જાય છે. આ બાબત ટ્રેનના પાઇલટ (મોટરમૅન)ની કૅબિન પાસે ઊભેલા સ્ટેશન-અટેન્ડન્ટ સંકેત ચોડણકરના ધ્યાનમાં આવે છે. પાઇલટ ટ્રેન ચાલુ કરે એ પહેલાં જ સંકેત તેને ટ્રેન રોકવા કહે છે અને દરવાજા ખોલવાનું કહીને તરત જ તે બાળક પાસે દોડી જાય છે. પાઇલટે ટ્રેનના દરવાજા ખોલતાં જ તે બાળક ફરી ટ્રેનમાં તેના પરિવાર પાસે ચાલ્યું જાય છે. બાળક પરિવાર પાસે સેફ છે એ ચેક કરીને સંકેત ફરી દોડીને પાઇલટ પાસે આવે છે. એ પછી પાઇલટને દરવાજા બંધ કરીને ટ્રેન ચાલુ કરવા કહે છે અને ટ્રેન આગળ વધે છે.
આમ સ્ટેશન-અટેન્ડન્ટે દાખવેલી ચપળતાને કારણે ટ્રેનમાંથી બહાર આવી ગયેલા તે બાળકનો તેના પરિવાર સાથે સુખરૂપ મેળાપ થઈ શક્યો હતો અને દુર્ઘટના ટળી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી આ વિડિયો-ક્લિપ જોઈને અનેક નેટિઝનોએ તેની ચપળતાને બિરદાવી હતી.