✕

મહારાષ્ટ્રના હિંગોળીમાં ભૂકંપના હળવા આંચકા

04 October, 2026 08:31 AM IST  |  hingoli | Gujarati Mid-day Correspondent

વહીવટી તંત્રે લોકોને ગભરાયા વિના સતર્ક રહેવાની સલાહ આપી છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લામાં શનિવારે સવારે ૩.૩ની તીવ્રતાના ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. જિલ્લા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર ગડગડાટના અવાજ સાથે આવેલા આ આંચકાનું કેન્દ્રબિંદુ ઔંધ નાગનાથ તાલુકાના ગઢાલા વિસ્તારમાં ૭ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ગઈ કાલે સવારે લગભગ ૭.૪૬ વાગ્યે આંચકો અનુભવાયો હતો. આ આંચકાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં થોડી વાર માટે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થવાના કોઈ અહેવાલ નથી.
આ પહેલાં પહેલી ઑક્ટોબરે નજીકના પાંગરા શિંદે ગામમાં પણ આવો જ ગડગડાટ અનુભવાયો હતો. આ વિસ્તારમાં છેલ્લાં ૬ વર્ષથી સમયાંતરે ભૂકંપ સંબંધિત પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. આ વર્ષે ૯ જુલાઈએ અને ૧૧ જુલાઈએ અહીં અનુક્રમે ૪.૬ અને ૩.૫ની તીવ્રતાના મોટા આંચકા અનુભવાયા હતા, જેને કારણે કેટલાંક મકાનોમાં તિરાડો પડી હોવાના અહેવાલ હતા. દરમ્યાન, વહીવટી તંત્રે લોકોને ગભરાયા વિના સતર્ક રહેવાની સલાહ આપી છે.

mumbai news mumbai maharashtra news maharashtra earthquake