22 November, 2025 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંગલ પ્રભાત લોઢા, અસલમ શેખ
રાજ્યના મિનિસ્ટ્રી ઑફ સ્કિલ ડેવલપમેન્ટ ઍન્ડ ઑન્ટ્રપ્રનરશિપના મિનિસ્ટર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મંગલ પ્રભાત લોઢાને મલાડ-માલવણીના વિધાનસભ્ય અસલમ શેખે ખલાસ કરી નાખવાની ધમકી આપી હોવાથી મંગલ પ્રભાત લોઢાએ આ સંદર્ભે મુંબઈના પોલીસ કમિશનર દેવેન ભારતીને પત્ર લખીને ફરિયાદ કરી છે.
મંગલ પ્રભાત લોઢાએ માલવણીમાં હજારો રોહિંગ્યા અને બંગલાદેશી ઘૂસણખોરોની સામે અભિયાન છેડ્યું છે. પ્રશાસનને એ સંદર્ભે પુરાવા આપીને ફૉલો-અપ કરી તેમનાં ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી કરાવી રહ્યા છે. પ્રશાસને પહેલા તબક્કામાં ૯૦૦૦ ચોરસ મીટરની સરકારી જમીન પર કરાયેલા અતિક્રમણને દૂર કર્યું છે અને હજી પણ એ કાર્યવાહી ચાલુ જ છે.
મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘એક બાજુ મુંબઈ જેવું ઇન્ટરનૅશનલ શહેર આતંકવાદીઓના હિટ લિસ્ટ પર છે ત્યારે વિધાનસભ્ય અસલમ શેખ માલવણીમાં ગેરકાયદે બાંધકામને પ્રોત્સાહન આપે છે અને એમ કરીને મુંબઈની સુરક્ષાની સાથે ચેડાં કરે છે, અમે એ નહીં ચલાવી લઈએ. સ્થાનિક વિધાનસભ્ય અસલમ શેખ સતત સમાજ માટે ખતરારૂપ તાકાતને છાવરે છે અને આમ કરીને ભારતીય બંધારણને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે તેમ જ ઘૂસણખોર બંગલાદેશીઓના ગેરકાયદે બાંધકામ સામેની કાર્યવાહી રોકવાનો પ્રયાસ કરી સરકારી કામમાં વિઘ્નો ઊભાં કરે છે. આ બાબતે હું ફૉલો-અપ કરતો હોવાથી તેમણે મને અને મારા પરિવારને ખલાસ કરી દેવાની ધમકી આપી છે.’
આ બાબતે મુંબઈ પોલીસ-કમિશનર દેવેન ભારતીને પત્ર લખીને ફરિયાદ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
માલવણી-પૅટર્ન જડમૂળમાંથી ઉખાડી ફેંકીશું : અમીત સાટમ
મલાડ-માલવણીના વિધાનસભ્ય અસલમ શેખ રોહિંગ્યા અને બંગલાદેશી ઘૂસણખોરોને છાવરીને માલવણી-પૅટર્ન ચલાવે છે, ચોકસભાઓ ભરી તેણે આપેલી ધમકીને અમે ગણકારતા નથી, ઊલટું અમે તેમની માલવણી-પૅટર્નને જડમૂળથી ઉખેડી નાખીશું એમ કહીને મુંબઈ BJPના અધ્યક્ષ અમીત સાટમે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાએ આ બાબતે કરેલી ફરિયાદની ગંભીર દખલ લઈને મુંબઈ પોલીસ-કમિશનરે કઠોર કાર્યવાહી કરવી જોઈએ.