04 May, 2025 06:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાશીમીરા પોલીસે જપ્ત કરેલી ગાડીઓ.
શોરૂમમાંથી કાર લઈ ઍરપોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ (JNPT) પર મહિનાના ૫૦,૦૦૦થી ૭૫,૦૦૦ રૂપિયાના ભાડે ચડાવી એમાંથી કારનો હપ્તો કાઢીને બાકીની રકમ ઓનરને આપવાની લાલચ દેખાડીને લોકો સાથે છેતરપિંડી કરનાર ગઠિયાને મીરા રોડ પોલીસે ઝડપી લીધો હતો. ઝીણવટભરી તપાસ કરીને તેની અને તેના સાગરીત પાસેથી ૨૫ કરોડ રૂપિયાનાં આવાં કુલ ૨૪૬ વાહનો જપ્ત કર્યાં છે.
લોકોને સારી કમાણી કરાવી આપવાની લાલચ આપનાર આ કેસના મુખ્ય આરોપી સંદીપ સુરેશ કાંદળકર ઉર્ફે રાજુ રાજીવ જોશી કઈ રીતે લોકોને છેતરતો હતો એ વિશે માહિતી આપતાં કાશીમીરાના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સંદીપ કાંદળકર લોકોને લાલચ આપતો હતો કે શોરૂમમાં નવી કાર બુક કરાવો, લોન પણ કરાવી આપીશ અને ત્યાર બાદ એ કાર ઍરપોર્ટ અથવા JNPTમાં ભાડે લગાડીને તમને મહિનાનું ૫૦,૦૦૦થી ૭૫,૦૦૦નું ભાડું અપાવીશ એમાંથી લોનનો હપ્તો પણ ચૂકવાઈ જશે અને ત્યાર બાદ જે પૈસા વધશે એ તમારી કમાણીના. જોકે એ માટે તે તેમની સાથે ૧૦૦ રૂપિયાના સ્ટૅમ્પપેપર પર ઍગ્રીમેન્ટ કરતો હતો. એટલે ઘણા લોકો તેની વાતોમાં આવી ગયા હતા. તે લોકોના દસ્તાવેજો પર તેમના જ નામે કાર શોરૂમમાંથી કઢાવતો, પણ ક્યાંય ભાડે ચડાવતો નહીં. એ પછી શોરૂમમાંથી લીધેલી કાર તે પરેલના મેદાનમાં પાર્ક કરી રાખતો હતો. તેણે આને માટે એક કંપની પણ ફ્લોટ કરી હતી અને કંપનીના અકાઉન્ટમાં તે લોકો પાસેથી પૈસા લેતો હતો એટલે લોકોનો તેના પર વિશ્વાસ બેઠો હતો. જોકે એ પછી થોડા વખતમાં ભાડું મળવાનું બંધ થઈ ગયું અને લોકોના લોનના હપ્તા ચાલુ હતા, તેમની પાસે ફિઝિકલી કાર પણ નહોતી અને કમાણી પણ નહોતી, માત્ર લોનના હપ્તા ભરવા પડતા હતા એથી કેટલાક લોકોએ તેની વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’
મીરા રોડના ભાવેશ અંબવણેએ આ સંદર્ભે રાજુ રાજીવ જોશી સામે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સમય બગાડ્યા વિના તેને ટ્રૅક કરીને ઝડપી લીધો હતો. સાથે જ પરેલના ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલાં કાર સહિતનાં ૨૪૬ વાહનો જપ્ત કર્યાં હતાં. પોલીસે આ કેસમાં તેના એક સાગરીત સચિન તેટુગુરેની ધરપકડ કરી છે. આ કેસમાં હજી વધુ ધરપકડ થવાની શક્યતા કાશીમીરા પોલીસે દર્શાવી છે.
કાશીમીરા પોલીસને તપાસમાં જણાઈ આવ્યું હતું કે આ કેસનો આરોપી સંદીપ કાંદળકર આ રીતની છેતરપિંડી કરવામાં માહેર છે. ૨૦૦૬થી આ રીતની છેતરપિંડી કરીને તે લોકોને છેતરી રહ્યો છે. તેણે ૧૩૭૫ લોકોને આ રીતે છેતર્યા છે અને તેમની સાથે ૨૦.૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. તેની સામે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ કુલ મળી ૧૩ કેસ નોંધાયા છે.