ઘરવાપસી કરીને અલીઝા બની ગઈ આદ્યા

10 March, 2026 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯માં મિસ ઇન્ડિયા અર્થ બનેલી સાયલી સુર્વેએ મુસ્લિમ પતિને છોડીને ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યોઃ લગ્ન પછી ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, અત્યાચારથી કંટાળીને પાછી ફરી

અલીઝાએ હવન અને મંત્રજાપ થકી શુદ્ધીકરણ કરીને ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો

મિસ ઇન્ડિયા અર્થ ૨૦૧૯ની વિજેતા સાયલી સુર્વેએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરીને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. પતિ દ્વારા હેરાનગતિ થતાં હવે સાયલીએ ફરી પાછો હિન્દુ ધર્મ અપનાવ્યો છે. પિંપરી-ચિંચવડમાં રહેતી સાયલીએ શુદ્ધીકરણવિધિ પૂર્ણ કરીને હવે તેનું નામ બદલીને આદ્યા સુર્વે રાખ્યું છે.

મુંબઈમાં જન્મેલી સાયલીએ પરિવારના વિરોધ છતાં ૨૦૧૯માં મીરા-ભાઈંદરના બિઝનેસમૅન આતિફ સાથે લગ્ન કરીને ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. લગ્ન પછી તેનું નામ બદલીને અલીઝા રાખવામાં આવ્યું. જોકે તેનાં એ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યાં નહીં.

સાયલીએ આતિફ સાથે લગ્ન કર્યાં એ તેના જીવનની સૌથી મોટી ભૂલ ગણાવીને આરોપ લગાવ્યો હતો કે લગ્ન પછી તરત જ મને ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું દબાણ કરવામાં આવ્યું હતું અને વારંવાર મને હેરાન કરવામાં આવતી હતી. તેનાં ચાર બાળકો છે પણ હવે પરિસ્થિતિ અસહ્ય બનતાં તેણે પાછી આવવાનો નિર્ણય લીધો હતો.

પોલીસ તરફથી મદદ ન મળતાં તેણે હિન્દુત્વવાદી સંગઠનોનો સંપર્ક કર્યો હતો અને તેમના માર્ગદર્શનથી હવન કરીને અને મંત્ર-જાપ દ્વારા શુદ્ધીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સાયલીએ તેના જેવી અનેક છોકરીઓને જો અત્યાચાર સહન કરવો પડતો હોય તો હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરવાની સલાહ આપી હતી.

mumbai news mumbai pimpri maharashtra government maharashtra news maharashtra