મોનોરેલ દુર્ઘટનામાં જવાબદાર બે અધિકારીઓ સસ્પેન્ડ

30 August, 2025 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટના બાદ MMRDAએ ટૂંકા અને લાંબા ગાળાના સુરક્ષાના ઉપાયો સૂચવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરની તપાસસમિતિની રચના પણ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે પાવર-ફેલ્યરને કારણે મોનોરેલના અનેક મુસાફરો બે કલાક સુધી ટ્રેનમાં અટવાઈ ગયા હતા. આ બનાવ માટે જવાબદાર બે અધિકારીઓને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ સસ્પેન્ડ કર્યા છે. MMRDAના કમિશનર સંજય મુખરજીએ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP)નું નિરીક્ષણ કર્યા બાદ સિગ્નલ અને ટેલિકૉમના ચીફ એન્જિનિયર મનીષ સોની અને સિક્યૉરિટી મૅનેજર રાજીવ ગીતેને સસ્પેન્ડ કર્યા હતા.

૧૯ ઑગસ્ટે ભક્તિપાર્ક અને મૈસૂર કૉલોની વચ્ચે પાવર-ફેલ્યરને કારણે એક મોનોરેલ અટવાઈ ગઈ હતી. એની પાછળ આવેલી બીજી મોનોરેલ પણ બંધ પડતાં કુલ ૭૦૦થી વધુ મુસાફરો મોનોરેલમાં ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનાનું એક કારણ એ સમયે મોનોરેલની ૧૦૫ ટનની ક્ષમતા સામે ૧૦૯ ટન વજન હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. આ ઘટના બાદ MMRDAએ ટૂંકા અને લાંબા ગાળાના સુરક્ષાના ઉપાયો સૂચવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરની તપાસસમિતિની રચના પણ કરવામાં આવી છે.

mumbai monorail news mumbai mumbai metro mumbai metropolitan region development authority mumbai news mumbai transport train accident travel travel news