04 April, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનની ફિલ્મ `અબીર ગુલાલ` વિશે વાત કરતાં MNSએ કહ્યું "પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવાની મંજૂરી અપાશે નહીં. પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપે છે, અને એવા દેશમાં કામ કરતા કલાકારોને ભારતમાં નામ અને દામ મળવું અસ્વીકાર્ય છે."
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સમર્થકો, નેતાઓ આવનારી બૉલિવૂડ ફિલ્મ `અબીર ગુલાલ`ને ભારતમાં રિલીઝ કરવાનો વિરોધ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને ભારતીય અભિનેત્રી વાણી કપૂર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. આરતી બાગડી દિગ્દર્શિત આ ફિલ્મ 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પણ હવે તેની રિલીઝ પર સંશય ઉભો થયો છે.
MNSએ ચેતવણી આપી છે કે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થવા નહીં દે. પાર્ટીનું કહેવું છે કે પાકિસ્તાન ભારત વિરોધી આતંકવાદને પ્રોત્સાહન આપે છે, અને તેમના કલાકારોને ભારતમાં કામ કરવાની મંજૂરી આપવી એ તેમને વધુ પ્રોત્સાહન આપવાના બરાબર છે. પાર્ટી મુજબ, "અમે પાકિસ્તાની કલાકારોને અહીં કામ કરવાની મંજૂરી નહીં આપીએ. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપે છે, જે આપણા દેશ માટે ખતરનાક છે. તેથી અમે પાકિસ્તાની કલાકારોને અહીં કામ કરવાની મંજૂરી આપી શકતા નથી."
આ પહેલા પણ MNS પાકિસ્તાની કલાકારોના પ્રતિબંધ માટે અવાજ ઉઠાવ્યો હતો, અને `અબીર ગુલાલ` હવે તેમના વિરોધનો તાજેતરનો ટાર્ગેટ બની છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આ મુદ્દે પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક પંડિતે દાવો કર્યો છે કે `અબીર ગુલાલ` કોઈ ભારતીય સ્ટુડિયો દ્વારા સમર્થિત નથી. તેમણે જણાવ્યું કે પુલવામા હુમલા પછી, ફિલ્મ ઉદ્યોગના ઘણા સંગઠનો પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવા રાજી નથી. તેમણે વધુમાં કહ્યું કે, "કાયદેસર રીતે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવાની કોઈ મનાઈ નથી, પણ ભારતીય ફિલ્મઉદ્યોગે સ્વૈચ્છિક રીતે તેમને કામ નહીં આપવા નિર્ણય લીધો છે." તેમણે CBFC (સેન્સર બોર્ડ)ને આ ફિલ્મની સમીક્ષા કરવા પણ કહ્યું. સાથે જ, તેમણે ભારતીય નિર્માતાઓને ચેતવણી આપી કે જો તે પાકિસ્તાની કલાકારો સાથે કામ કરશે તો ભારતીય ટેકનિશિયન્સ તેમને સપોર્ટ નહીં કરે."
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝના પ્રમુખ બી.એન. તિવારીએ જણાવ્યું કે તે આ ફિલ્મ વિશે જાણતા નથી, પણ ફિલ્મ મેકર્સ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેશે. ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઘણા સંગઠનો ભારતીય ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવાના સમર્થનમાં નથી, જોકે ભારતીય સરકારે આજ સુધી એમના પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો નથી.
અભિનેતા ઇમરાન ઝહિદે અગાઉ માહિતી અને પ્રસારણ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં RTI દાખલ કરી હતી, જેથી પાકિસ્તાની કલાકારો પર સત્તાવાર પ્રતિબંધ અંગે સ્પષ્ટતા મળી શકે. પણ કોઈ મંત્રાલય તરફથી સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો. ઝહિદે જણાવ્યું કે સરકાર તરફથી સ્પષ્ટ નિર્ણય નહીં આવવાથી, ફિલ્મ ઉદ્યોગમાં અનિશ્ચિતતા છે અને નિર્માતાઓ અને કલાકારો માટે નિર્ણય લેવો મુશ્કેલ બની ગયો છે.