મા-દીકરાની અંતિમયાત્રા એકસાથે નીકળી

03 September, 2025 07:07 AM IST  |  Mumbai | Mehul Jethva

એકના એક દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને આઘાતમાં મમ્મીનું પણ હાર્ટ-અટૅકથી મૃત્યુ : મુલુંડના ગુજરાતી પરિવાર પર આભ તૂટી પડ્યું

વિશાલ સરધારા અને તેનાં મમ્મી કડુબહેન.

મુલુંડ-વેસ્ટના ડૉક્ટર આર. પી. રોડ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કૉલોનીમાં બિલ્ડિંગ નંબર એકમાં રહેતા ૩૩ વર્ષના વિશાલ સરધારાનું ટૂંકી માંદગી બાદ સોમવારે રાતે સાડાઆઠ વાગ્યે મૃત્યુ થયું હતું. એ પછી રાતે બે વાગ્યે વિશાલના મૃત્યુના સમાચાર તેનાં ૫૯ વર્ષનાં મમ્મી કડુ સરધારાએ સાંભળ્યા બાદ હાર્ટ-અટૅક આવી જતાં તેમનું પણ મૃત્યુ થયું હતું. ગઈ કાલે બપોરે એકસાથે મા-દીકરાની અંતિમયાત્રા નીકળતાં આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી હતી.

કોરિયોગ્રાફર વિશાલ તેનાં મમ્મી-પપ્પાનું એકમાત્ર સંતાન હતો એટલે મમ્મીને તેના પર ઘણી લાગણી હતી. વિશાલના મૃત્યુના સમાચાર કલાકો સુધી તેની મમ્મીથી છુપાવી રાખ્યા હતા, પણ રાતે ઘરમાં બધા ભેગા થવાની શરૂઆત થતાં કડુબહેનને વિશાલના મૃત્યુની જાણ થઈ હતી અને એ જ સમયે તેમને જબરદસ્ત આંચકો આવતાં તેઓ ઢળી પડ્યાં હતાં. વિશાલના પપ્પા કાળુભાઈ સરધારા પત્ની અને દીકરાના એકસાથે થયેલાં મૃત્યુથી ભારે આઘાતમાં છે. પત્ની-દીકરાની અંતિયાત્રા વખતે તેઓ ગુમસુમ હતા અને લોકોએ તેમને ટેકો આપી ઊભા કરીને અંતિમયાત્રામાં જોડાવાની વિનંતી કરી હતી. તેઓ કશું બોલવાની હાલતમાં નહોતા.

ગઈ કાલે બન્નેની અંતિમયાત્રા સાથે નીકળી હતી.

અમારા પરિવારના બે જણને અમે એક જ દિવસે ગુમાવ્યા છે, વિશાલ મારા કાકાનો દીકરો હતો, પણ તે મારા સગા ભાઈ કરતાં વધુ વહાલો હતો એમ જણાવતાં વિશાલના પિતરાઈ ભાઈ અશોક સરધારાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ઘરે ગણપતિબાપ્પાની સ્થાપના કરી હોવાથી વિશાલ બે દિવસ મારા ઘરે મુલુંડ ચેકનાકા રોકાયો હતો. સોમવારે સાંજે ૬ વાગ્યે તે પાછો તેના ઘરે ગયો હતો. એ દરમ્યાન તેને અચાનક ખાંસી આવવાની શરૂ થઈ અને છાતીમાં ભારે દુખાવો ઊપડ્યો હતો. અમે તેને ગોકુલ હૉસ્પિટલ લઈ ગયા હતા. તેની પ્રાથમિક સારવાર ચાલી રહી હતી એ દરમ્યાન તેનું મૃત્યુ થયું હોવાનું અમને ડૉક્ટરે કહ્યું હતું. એ પછી કલાકેક બાદ વિશાલની મમ્મીને દીકરાના મૃત્યુના સમાચાર જણાવતાં તેઓ ઢળી પડ્યાં હતાં. ગઈ કાલે બપોરે બન્નેની અંતિમયાત્રા સાથે નીકળી હતી. વિશાલને નાનપણથી ડાન્સનો શોખ હતો. તેણે જાતમહેતનથી કોરિયોગ્રાફર બનીને પોતાનાં સપનાં પૂરાં કર્યાં હતાં. વિશાલની બૉલીવુડમાં સારી ઓળખાણ હતી અને તેને ઘણા ઍક્ટર ઓળખતા હતા.’

BMC કૉલોનીમાં બિલ્ડિંગ નંબર એકમાં રહેતાં વિશાલનાં પાડોશી ગીતા સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિશાલ ખૂબ હોશિયાર હતો. તે હંમેશાં નાના હોય કે મોટા બધાનું સન્માન કરતો. અમે તેના મોઢા પર હંમેશાં સ્મિત જ જોયું છે. સોમવાર સાંજે વિશાલની તબિયત લથડતાં તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. એ પછી તરત તેની મમ્મી કડુબહેન પણ પહોંચ્યાં હતાં. જોકે એ સમયે કડુબહેનની ઉંમર જોતાં તેમને પાછાં ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. કડુબહેન રાતે ઘરે જઈને સૂઈ ગયાં હતાં, પણ રાતે બે વાગ્યે ઘરમાં બધાને ભેગા થયેલા અને રડતા જોઈને જાગી ગયાં હતાં અને સમજી ગયાં હતાં કે વિશાલ સાથે અઘટિત બન્યું છે. એ પછી હકીકત જાણ્યા બાદ તેમને જોરદાર આંચકો લાગ્યો હતો. તાત્કાલિક તેમને ગોકુલ હૉસ્પિટલ લઈ જવાયાં હતાં, પણ ડૉક્ટરે તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.’

mulund brihanmumbai municipal corporation mumbai mumbai news heart attack gujaratis of mumbai gujarati community news news