વિલ્સન કૉલેજ જિમખાનાનું મેદાન પાછું મેળવવા આંદોલન

03 February, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૈન સમુદાયને ટ્રાન્સફર કરવામાં આવેલી લીઝના કરાર રદ કરવાની માગણી સાથે કૉલેજના વિદ્યાર્થીઓ, ટીચર્સ અને પાદરીઓ દ્વારા આઝાદ મેદાનમાં ધરણાં

ગઈ કાલે વિલ્સન જિમખાનાની જમીનની જૈન સમુદાયને ટ્રાન્સફર કરેલી લીઝનો વિરોધ કરવા આઝાદ મેદાનમાં જમા થયેલા વિલ્સન કૉલેજના ટ્રસ્ટીઓ, ટીચરો, પાદરીઓ,‌ વિદ્યાર્થીઓ અને આમ્હી ગિરગાવકરના કાર્યકરો.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિલ્સન કૉલેજ જિમખાના જૈન સમુદાયને ટ્રાન્સફર કરવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓ, પાદરીઓ અને શિક્ષકોએ ગઈ કાલે બપોરે મુંબઈના આઝાદ મેદાન ખાતે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમની સાથે ‘આમ્હી ગિરગાવકર’ના કાર્યકરો પણ સેંકડોની સંખ્યામાં જોડાયા હતા. તેમણે આઝાદ મેદાનમાં ભેગા થઈને ‘જિમખાનાના જૈન સમુદાય સાથેના કરાર રદ કરો અને અમારું જિમખાનું અમને પાછું સોંપી દો, નહીંતર અમે કોઈ પણ ભોગે અમારા જિમખાનાની જમીનને પાછી લઈને જ જંપીશું’ એવા નારા લગાડ્યા હતા. 

મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૪માં જિમખાનાના આ પ્લૉટને ૩૦ વર્ષ માટે જૈન ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશનને સોંપ્યા બાદ વિલ્સન કૉલેજના ટ્રસ્ટીઓ, પાદરીઓ, વિદ્યાર્થીઓએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ગઈ કાલે તેમના આ વિરોધમાં આમ્હી ગિરગાવકર સંગઠનના સેંકડો કાર્યકરો પણ જોડાયા હતા. આંદોલનકારો અને તેમના હિમાયતીઓએ રમતગમતના ઉપયોગ માટે મેદાન પુનઃ સ્થાપિત કરવાની માગણી કરી હતી. તેમના કહેવા પ્રમાણે ખ્રિસ્તી લઘુમતી અને વિલ્સન કૉલેજના સત્તાવાળાઓ દ્વારા લીઝ રદ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ છે.

mumbai news mumbai jain community mumbai police mumbai crime news maharashtra azad maidan maharashtra government