27 May, 2026 07:40 AM IST | Mumbai | Varsha Chitaliya
મુંબઈ આવ્યા પછી ઍરપોર્ટ પર વડાપાંઉનો સ્વાદ માણતી સાનિકા, પપ્પા જિગરભાઈ, નાની બહેન સોનિયા અને મમ્મી ઈશિતા સાથે સોસાયટીના કાર્યક્રમમાં, સોસાયટીના રહેવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત, એવરેસ્ટની તસવીરવાળી કેક અને ગુલદસ્તા સાથે સાનિકા.
દોઢ મહિનાથી મરી-મસાલા વિનાનું ભોજન ખાઈને કંટાળી ગયેલી સાનિકાએ કાઠમાંડુથી ફ્લાઇટ પકડતાં પહેલાં મમ્મીને વડાપાંઉ લાવવા કહ્યું હતું. મુંબઈમાં ઢોલ-નગારાં સાથે તેનું જોરદાર વેલકમ થયું. મુલુંડમાં સોસાયટીના રહેવાસીઓએ તેના માટે ખાસ એવરેસ્ટની તસવીરવાળી કેક બનાવડાવી હતી
‘એવરેસ્ટ માટે ગઈ ત્યારે આંખમાં એક સપનું હતું. પર્વત પર જેમ-જેમ દિવસો વીતતા ગયા એમ હોમ-સિકનેસ લાગતી હતી. ફૅમિલીને બહુ મિસ કરતી. ૪૫ દિવસ સુધી પર્વતો વચ્ચે રહી. જાણે દુનિયાથી વિખૂટી પડી ગઈ હતી. સાગરમાથાએ એક-એક ડગલે મારી શારીરિક અને માનસિક કસોટી લીધી હતી. દિવસો ટેન્ટમાં વિતાવ્યા. મરી-મસાલા વિનાનું સ્વાદહીન જમવાનું પણ એક તબક્કે કંટાળાજનક લાગતું હતું. મુંબઈ આવવા કાઠમાંડુથી ફ્લાઇટ પકડતાં પહેલાં મમ્મીને કહી રાખ્યું હતું કે મુલુંડ-ઈસ્ટના ફેમસ સમર્થ સ્નૅક્સનાં વડાપાંઉ લેતી આવજે. હવે ફરી મુંબઈનો ટ્રાફિક, ઘોંઘાટ અને લોકોની ભીડ અનુભવવાની અલગ જ મજા છે.’
વિશ્વના સર્વોચ્ચ શિખર પર તિરંગો લહેરાવીને પચીસ મેએ મોડી સાંજે પાછી આવેલી મુલુંડની સાનિકા શાહે આ શબ્દો સાથે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. મુંબઈ ઍરપોર્ટ પર, મુલુંડની ગલીઓમાં અને સોસાયટીમાં ઢોલ-નગારાં સાથે તેનું જોરદાર સ્વાગત થયું હતું.
ભાવવિભોર થતાં સાનિકાએ કહ્યું હતું કે ‘ઍરપોર્ટ પર ઘણાબધા લોકો આવશે એવો આઇડિયા હતો. હું હંમેશાંથી સેલિબ્રિટી જેવું ફીલ કરવા માગતી હતી. ખરેખર એ ક્ષણ આવી ત્યારે કોઈ પ્રતિભાવ આપી ન શકી. હાથ જોડીને બે મિનિટ ઊભી રહી ગઈ. લોકોને મારી સાથે સેલ્ફી લેવો હતો. તેઓ ગિફ્ટ અને ફૂલોના ગુલદસ્તા લાવ્યા હતા. દરેક મોમેન્ટ કૅપ્ચર થઈ રહી હતી. મુંબઈ પાછા ફર્યા બાદ સૌથી પહેલાં વડાપાંઉ ખાધાં હતાં. જોકે ફેવરિટ જગ્યાના ખાવા માટે થોડી રાહ જોવી પડી. ૩ કલાક પહેલાં પેરન્ટ્સ ઍરપોર્ટ આવવા નીકળી ગયા હતા અને વડાપાંઉ ઠંડાં થઈ જાય એટલે તેમણે ઍરપોર્ટ પરથી જ લીધાં. લાંબા સમય પછી પોતાના શહેરનો સ્વાદ માણીને આનંદ થયો. મારી સોસાયટી ટ્રાન્સકૉન સ્કાયસિટી તિરુમાલા હૅબિટૅટ્સમાં થયેલું વેલકમ સ્પેશ્યલ હતું. પાડોશીઓ અને સોસાયટીના રહેવાસીઓએ મારી મહેનત અને તૈયારીને ખૂબ નજીકથી જોઈ છે. હું દરરોજ ૧૪ માળ દાદરા ચડતી, ભારે બૅગ ઉપાડીને ટ્રેઇનિંગ માટે જતી, સવારથી રાત સુધી દોડધામ કરતી. મારી આ જર્નીના તેઓ સાક્ષી છે. સ્વાગતમાં ઢોલ વગાડ્યા, ફટાકડા ફોડ્યા, એવરેસ્ટ પરની તસવીરોવાળી કેક લઈને આવ્યા. તેમનો પ્રેમ જોઈને ભાવુક થઈ ગઈ છું. પેરન્ટ્સ અને નાની બહેન સોનિયાના સપોર્ટથી પાંચ વર્ષ પહેલાં જોયેલું સપનું પૂરું થયું છે.’
એવરેસ્ટની ટોચ પર જનારી સાનિકા મહારાષ્ટ્રની પહેલી ગુજરાતી ગર્લ બની છે. શ્રી મોડાસા એકડા દશા ખડાયતા સમાજે પણ તેના સાહસની ભરપૂર પ્રશંસા કરી છે. સાનિકાનાં પેરન્ટ્સ ઈશિતા અને જિગર શાહે જણાવ્યું હતું કે ‘માતા-પિતા તરીકે પુત્રીની સિદ્ધિઓ પર ખૂબ જ ગર્વ અને ખુશી અનુભવી રહ્યાં છીએ. માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની તેની યાત્રા નિઃશંકપણે ખૂબ જ પડકારજનક અને કઠિન હતી, જેમાં ઘણાં જોખમો પણ સામેલ હતાં. હવે તે સુરક્ષિત રીતે ઘરે પાછી ફરી છે એ જોઈને અમને રાહત અને શાંતિ મળી છે. અમને સંતોષ છે કે પાંચ વર્ષની નક્કી કરેલી સમયમર્યાદામાં તેણે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે. તેના આ સાહસ માટે સ્વજનો, મિત્રો અને સમાજ તરફથી પુષ્કળ શુભેચ્છાઓ આવી રહી છે. હવે અમે ઇચ્છીએ છીએ કે સાનિકા થોડો સમય પરિવાર સાથે વિતાવે અને ત્યાર બાદ પોતાના નેક્સ્ટ ટાર્ગેટ તરફ આગળ વધે.’