03 December, 2025 07:03 AM IST | Mumbai | Mehul Jethva
મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચેલા નિર્મલ ઠક્કર અને શરદરામ સેજપાલ.
મુલુંડમાં ગેરકાયદે ફેરિયાઓ સામે લડત ચલાવતા જાગૃત મુલુંડકર સંસ્થાના સભ્ય નિર્મલ ઠક્કર અને રાસ્તા બચાઓ કૃતિ સમિતિના પ્રમુખ શરદરામ સેજપાલ પર ગઈ કાલે ફેરિયાઓએ હુમલો કરીને ધમકાવવાની કોશિશ કરી હતી. આ મામલે મુલુંડ પોલીસે બન્ને મૅટરમાં અલગ ફરિયાદ નોંધી છે. બન્ને સંસ્થાઓએ મુલુંડમાં ફુટપાથ બ્લૉક કરીને તેમ જ મેઇન રોડના ખૂણા બ્લૉક કરીને બેસતા ફેરિયાઓ વિશે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને પોલીસને ફરિયાદ કરી હતી એનો ગુસ્સો રાખીને ફેરિયાઓએ આ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ બન્ને ઘટના બાદ પાણી હવે માથાની ઉપર ચાલ્યું ગયું છે એવું કહીને હવે પછી બોરીવલીમાં જેમ વેપારીઓ સરકારી એજન્સીઓ સામે રસ્તા પર ઊતર્યા હતા એમ મુલુંડમાં પણ વેપારીઓ રસ્તા પર ઊતરશે એવો દાવો કરવામાં આવ્યો છે એટલું જ નહીં, આ મામલે BMC અને પોલીસ-કમિશનરને પત્ર લખીને ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગણી પણ કરવામાં આવશે. આ બન્ને ઘટના બાદ BMCના અધિકારીઓએ ગઈ કાલે મુલુંડના રસ્તા પરથી ફેરિયાઓને હટાવીને કડક કાર્યવાહી કરી હતી.
જાગૃત મુલુંડકર સંસ્થાના સભ્ય નિર્મલ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે હું મારી પત્ની સાથે મુલુંડ માર્કેટમાં ખરીદી કરવા ગયો ત્યારે ફુટપાથ સહિત ૭૦ ટકા રોડ ફેરિયાઓએ બ્લૉક કરી દીધો હતો. એ વખતે મારું સ્કૂટર પસાર થઈ શકે એટલી જગ્યા પણ ફેરિયાઓએ બાકી રાખી નહોતી એટલે મેં ફેરિયાઓને રોડ પરથી થોડે દૂર ખસવાનું કહ્યું ત્યારે હૉકર્સ યુનિયનનો અધિકારી હોવાનો દાવો કરી ઠાકુર નામનો એક યુવક મારી નજીક આવ્યો હતો અને તેણે મને ધક્કો મારીને ધમકાવ્યો હતો. આ મામલે મેં મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એવી જ રીતે રાસ્તા બચાઓ કૃતિ સમિતિના પ્રમુખ શરદરામ સેજપાલ રહે છે એ બિલ્ડિંગમાં એક ફેરિયાએ પ્રવેશીને તેમને ધમકાવ્યા હતા. આ ખૂબ ગંભીર બાબત છે. આ મામલે શરદભાઈએ પણ પોલીસ-ફરિયાદ નોંધાવી છે.’
ગઈ કાલની ઘટનાઓ બાદ મુલુંડમાં ફેરિયાઓ પર કાર્યવાહી તો કરવામાં આવી હતી, પણ નાગરિકો કાયમી ઉકેલ માગી રહ્યા છે.
રાસ્તા બચાઓ કૃતિ સમિતિના પ્રમુખ શરદરામ સેજપાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફેરિયાઓના ત્રાસથી મુલુંડવાસીઓ હવે કંટાળી ગયા છે. તેમના દ્વારા થતી હેરાનગતિનો કોઈ અંત આવતો નથી. દિવસે-દિવસે પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે. પહેલાં ફેરિયાઓ માત્ર ફુટપાથ પર બેસતા હતા અને હવે તેઓ ફુટપાથની સાથે અડધા કરતાં વધારે રોડ કવર કરી લે છે એને કારણે લોકોને ચાલવા અને વાહન હાંકવાની પણ જગ્યા રહેતી નથી. આવી પરિસ્થિતિમાં અમે BMC અને પોલીસને ફરિયાદ કરીએ છીએ. જોકે પછીથી અધિકારીઓ અમે ફરિયાદ કરી હોવાની માહિતી ફેરિયાઓને આપી દેતા હોવાથી ફેરિયાઓ અમને દુશ્મનની નજરે જોવા લાગ્યા છે. એ જ વાતનો ગુસ્સો રાખી નિર્મલભાઈ પર હુમલો કર્યો હતો અને મને ધમકાવ્યો હતો. અમે BMC અને પોલીસ-કમિશનરને ઑફિશિયલ લેટર લખીને મુલુંડના અધિકારીઓ પર યોગ્ય કાર્યવાહી કરવાની માગણી અને ફેરિયાઓના ત્રાસથી અમને છુટકારો અપાવવાની માગણી કરીશું અને જો આવતા ૧૫ દિવસમાં ઍક્શન નહીં લેવાય અને પરિસ્થિતિ હમણાં જેવી જ જણાશે તો અમે બધા વેપારીઓ BMC, પોલીસ અને ફેરિયાઓ સામે રોડ પર ઊતરીને વિરોધમોરચો કાઢીશું.’