03 December, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફૂડ અને પાર્સલ ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતી ઘણી ઇલેક્ટ્રિક બાઇક્સ રજિસ્ટ્રેશન વગરની હોય છે. આવી બાઇક્સ ટ્રાફિક-નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોવાથી મુંબઈ ટ્રાફિક પોલીસે ગેરકાયદે કમર્શિયલ ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતી અનરજિસ્ટર્ડ ઈ-બાઇક્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.
રજિસ્ટ્રેશન કરાવ્યું ન હોવા ઉપરાંત વારંવાર રાઇડર્સ રૉન્ગ-સાઇડ પર ડ્રાઇવ કરતા હોય છે. અમુક વાર ફુટપાથ પર બાઇક ચલાવતા હોય છે, સિગ્નલ તોડતા હોય છે અને રૅશ ડ્રાઇવિંગ પણ કરતા હોય છે. એથી પબ્લિક-સેફટીને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ૩ દિવસની ઝુંબેશ હાથ ધરી હતી અને ૫૧૭ બાઇક્સ જપ્ત કરી હતી. ૨૭થી ૨૯ નવેમ્બર દરમ્યાન મુંબઈમાં ટ્રાફિક-પોલીસની ટીમોએ ટ્રાફિક-નિયમોનું ઉલ્લંઘન કરનાર કમર્શિયલ ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતી ઈ–બાઇક્સ સામે કાર્યવાહી કરી હતી.
અઠવાડિયામાં ૨૩,૦૦૦થી વધુ વાહનોને ઈ-ચલાન, ૨.૭૪ કરોડ રૂપિયાની આવક
મુંબઈમાં ટ્રાફિક-પોલીસે એક અઠવાડિયામાં ૨૩,૦૦૦થી વધુ વાહનોને ગેરકાયદે પાર્કિંગ કરવા બદલ ઈ-ચલાન ફટકાર્યાં છે અને દંડ તરીકે ૨.૭૪ કરોડ રૂપિયાની આવક મેળવી છે. ૨૫ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી ‘નો પાર્કિંગ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ’ અમલમાં મૂકવામાં આવી હતી. ગેરકાયદે પાર્કિંગને કારણે ટ્રાફિક-જૅમ થતાં હોય એવાં સ્થળો પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. હેલ્મેટ વિના વાહન ચલાવતા, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા અને રેલવે-સ્ટેશન, બજારો અને રેસિડેન્શિયલ એરિયામાં ઈ-બાઇક પાર્ક કરીને રસ્તાઓ બ્લૉક કરતા લોકો ઝડપાયા હતા.