19 August, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરાઠી શીખવાના એક વર્ગમાં રિક્ષા-ટેક્સીના ડ્રાઈવરો
મહારાષ્ટ્ર સરકાર સુધારેલા મોટર વ્હીકલ્સ ઍક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરતાં પહેલાં રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને મરાઠી શીખવા માટે સમય આપશે એવી સ્પષ્ટતા રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે કરી છે. અગાઉ એવી વાત હતી કે જે ડ્રાઇવરોને મરાઠી નહીં આવડે તેમનું લાઇસન્સ પહેલાં ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે અને એ પછી પણ નહીં આવડે તો કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. પરમિટ કે લાઇસન્સ તરત જ રદ કરવામાં નહીં આવે એમ જણાવતાં પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે સરકારનો હેતુ મુસાફરોની હેરફેર કરતા ડ્રાઇવરો મરાઠી ભાષાનું રોજિંદું વ્યાવહારિક જ્ઞાન ધરાવતા થાય એ સુનિશ્ચિત કરવાની સાથે-સાથે તેમની રોજીરોટીનું રક્ષણ કરવાનો પણ છે.’
મહારાષ્ટ્રમાં આશરે ૯.૧૬ લાખ રિક્ષા અને ૬૧,૬૫૭ ટૅક્સી છે અને એમાંથી મોટી સંખ્યામાં રિક્ષા અને ટૅક્સી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં દોડે છે એમ જણાવીને પ્રતાપ સરનાઈકે વધુમાં કહ્યું હતું કે ‘અમે જેમને મરાઠી ભાષા નથી આવડતી તેમને મરાઠી શીખવવાનો પ્રયાસ કરવાનો નિર્ણય લીધો છે. થોડા મહિના અગાઉ શરૂ કરવામાં આવેલી મરાઠી શિક્ષણ પહેલમાં સમગ્ર રાજ્યમાંથી ૧.૬૫ લાખથી વધુ ડ્રાઇવરોએ ભાગ લીધો હતો. આ ઝુંબેશને આગળ ધપાવવા માટે મરાઠી ભાષા વિભાગ, પરિવહન વિભાગ અને અન્ય અધિકારીઓ સાથે મળીને કામ કરશે.’
અમે કોઈને પણ પરમિટ, લાઇસન્સ કે બૅજ આપવાની ના નહીં પાડીએ એમ જણાવીને પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘સૌથી પહેલાં અમે ડ્રાઇવરોને નોટિસ આપીશું અને મરાઠી શીખવાની તક આપીશું. જો તેઓ નક્કી કરેલી મુદતમાં મરાઠી નહીં શીખે તો નિયમો અનુસાર કાર્યવાહી શરૂ કરવી પડશે. આ સમગ્ર પ્રક્રિયા માટે ૩૦ દિવસની નોટિસ આપવામાં આવશે. એમ છતાં જો તેઓ નિયમોનું પાલન નહીં કરે તો સંબંધિત પરવાનગી સસ્પેન્ડ કે રદ કરવા સહિતની આગળની કાર્યવાહી નિયમો મુજબ થઈ શકે છે. આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોની રોજીરોટી છીનવવાનો નથી, પરંતુ મહારાષ્ટ્રમાં મુસાફર પરિવહન સર્વિસ પૂરી પાડતા લોકો મરાઠીનું રોજિંદું વ્યાવહારિક જ્ઞાન ધરાવે એ સુનિશ્ચિત કરવાનું છે.’