29 November, 2026 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડ્રગ્સ-ગોલ્ડ જપ્ત
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલાં વિવિધ ઑપરેશનમાં ૩૯.૮ કરોડ રૂપિયાનું ગોલ્ડ તથા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે ૯ પૅસેન્જર તથા સ્મગલિંગ કરનારી ટોળકીના સભ્યોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે આમાં પણ સૌથી મોટી કાર્યવાહી ૨૭ નવેમ્બરે કરવામાં આવી હતી જેમાં કસ્ટમ્સ ઝોન-૩ના ઍર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા ૧૨ કિલો કેટામાઇન ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું. એકલા ૧૨ કિલો કેટામાઇનની કિંમત જ ૩૬ કરોડ રૂપિયા હોવાનું કસ્ટમ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીમાં થાઇ ઍરવેઝથી બૅન્ગકૉક જતા એક પ્રવાસી પાસેથી કસ્ટમ્સના અધિકારીઓએ પાંચ કિલો કેટામાઇન જપ્ત કર્યું હતું. તેની વધુ પૂછપરછ કરવામાં આવતાં એક ઘરની તપાસ કરીને ત્યાંથી પણ ૭ કિલો કેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું અને બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને ડ્રગ્સનો ગોરખધંધો કરતી મોટી ટોળકીના સભ્ય હોવાનું માનવામાં આવે છે. આ ત્રણેય વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અન્ય બે કેસમાં AIUના અધિકારીઓએ ૨૭ અને ૨૮ નવેમ્બરે બૅન્ગકૉકથી આવતા બે પૅસેન્જર્સ પાસેથી ૨.૨૭ કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો હતો. તેમની પણ NDPS હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.
બીજા એક કેસમાં મુંબઈ આવનારા પાંચ પૅસેન્જર પાસેથી ૧.૫૭ કરોડ રૂપિયાની કિંમતનું ૧૪૪૩ ગ્રામ ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું હતું જેમાંથી ૪ પૅસેન્જર વિરુદ્ધ કસ્ટમ્સ ઍક્ટ ૧૯૬૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ બધા જ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું.