13 March, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપલ દોશીને ખોવાયેલું પર્સ પાછું આપતા પોલીસ-અધિકારીઓ અને રિક્ષા-ડ્રાઇવર
અંધેરી પોલીસ-સ્ટેશનની ઝડપી કામગીરીને કારણે ઘાટકોપર-ઈસ્ટમાં રહેતાં વેડિંગ ઍન્કર, કૉર્પોરેટ અને એન્ટરટેઇનમેન્ટ ઇવેન્ટ્સનાં હોસ્ટ રૂપલ દોશીને તેમનું ખોવાયેલું પર્સ માત્ર ૩૬ કલાકમાં પાછું મળ્યું છે. રૂપલ દોશી મંગળવારે સવારે અંધેરીના જે. બી. નગર મેટ્રો સ્ટેશનથી સૉલિટેર બિઝનેસ પાર્ક જવા માટે નીકળ્યાં હતાં ત્યારે ઉતાવળમાં રિક્ષાની સીટ પર ૧૭,૦૦૦ રૂપિયા રોકડા અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સાથેનું પોતાનું પર્સ ભૂલી ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં રૂપલ દોશીએ અંધેરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં પોલીસની ટીમે આસપાસના વિસ્તારોના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી હતી. શરૂઆતમાં કોઈ પણ કૅમેરામાં રિક્ષાનો નંબર કે ડ્રાઇવરનો ચહેરો સ્પષ્ટ રીતે જોવા મળ્યા નહોતા. જોકે પોલીસે આગળના આશરે ૨૦ CCTV કૅમેરાનાં ફુટેજના આધારે રિક્ષાની માહિતી મેળવી ડ્રાઇવર સુધી પહોંચીને તેની પાસેથી પર્સ રિકવર કર્યું હતું.
અંધેરી પોલીસ-સ્ટેશનની ઝડપી કામગીરીની પ્રશંસા કરતાં રૂપલ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે ઘાટકોપરમાં એક કાર્યક્રમ પૂરો કર્યા બાદ મારે અંધેરી જવાનું હતું એટલે હું ઘાટકોપરથી જે. બી. નગર સુધી મેટ્રોમાં આવી હતી. મેટ્રો સ્ટેશનની બહાર નીકળ્યા પછી સામેની બાજુએ આવેલા સૉલિટેર બિઝનેસ પાર્ક જવા માટે હું રિક્ષામાં બેઠી હતી. જોકે રિક્ષામાં બેસતાં જ ડ્રાઇવરે કહ્યું કે તેની રિક્ષા બોરીવલીની હોવાથી તેને આગળ ડાબી તરફ નહીં પરંતુ જમણી તરફ વળવું પડે. તેથી તેણે મને ઊતરી જવા કહ્યું હતું. ઉતાવળમાં હું રિક્ષામાંથી ઊતરીને બીજી રિક્ષામાં બેસી ગઈ ત્યારે મને સમજાયું કે મારું પર્સ પહેલાંની રિક્ષામાં જ રહી ગયું છે. ત્યાર બાદ તરત જ મેં બીજી રિક્ષાના ડ્રાઇવરને પહેલી રિક્ષા જે દિશામાં ગઈ હતી ત્યાં જવા કહ્યું હતું, પરંતુ બે-ત્રણ કિલોમીટર સુધી આગળ જવા છતાં તે રિક્ષા જોવા મળી નહોતી. પછી હું પાછી જ્યાંથી રિક્ષા લીધી હતી ત્યાં આવી હતી. શરૂઆતમાં મેં પોલીસ-ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ ત્યાંના એક દુકાનદારે અંધેરી પોલીસની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આવી જ રીતે રિક્ષામાં ભુલાયેલું લૅપટૉપ પણ પોલીસે શોધી આપ્યું હતું. તેથી મેં પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાંથી ટ્રાફિક પોલીસચોકી જવા માટે મેં ફરી રિક્ષા લીધી, પરંતુ મારી પાસે પૈસા નહોતા. ત્યારે મને મળેલા લોકો જાણે ભગવાને મોકલ્યા હોય એવું લાગ્યું, કારણ કે રિક્ષા-ડ્રાઇવરે મારી પાસેથી ભાડું લીધું નહોતું અને પોલીસે પણ મને મુસાફરી માટે ૧૦૦ રૂપિયાની મદદ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એ જ દિવસે રિક્ષા શોધવા માટે ખૂબ મહેનત કરી હતી અને મારી પાસેથી મળેલી તમામ માહિતીના આધારે સતત તપાસ કરીને અંતે રિક્ષા-ડ્રાઇવર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. અંધેરી પોલીસે કરેલું કામ ખરેખર કાબિલે તારીફ છે.’
અંધેરી પોલીસ-સ્ટેશનના પોલીસ અધિકારી રૂપેશ નાર્વેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ અમે મહિલાએ જ્યાંથી રિક્ષા પકડી હતી એ વિસ્તારનાં CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવાની શરૂઆત કરી હતી. જોકે શરૂઆતમાં રિક્ષાનો નંબર સ્પષ્ટ દેખાતો નહોતો. તેથી પછી અમે રિક્ષા જે-જે વિસ્તારોમાં આગળ ગઈ હોઈ શકે એ વિસ્તારોનાં CCTV ફુટેજ સ્કૅન કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આશરે વીસથી વધુ વિસ્તારોનાં CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યા બાદ અમને રિક્ષાનો સ્પષ્ટ નંબર મળી આવ્યો હતો. એ નંબરના આધારે અમે રિક્ષા-ડ્રાઇવરનો સંપર્ક કરીને તેને પોલીસ-સ્ટેશન પર બોલાવ્યો હતો. તપાસ દરમ્યાન મહિલાનું પર્સ જેમાં ૧૭,૦૦૦ રૂપિયા રોકડા તેમ જ તેમના દસ્તાવેજો હતા એ રિકવર કરીને ગઈ કાલે મહિલાને પાછા સોંપી દીધા છે.’