ઉમેદવારો પ્રચારમાં નવથી ૧૫ લાખ રૂપિયા જ વાપરી શકશે

17 December, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇલેક્શન કમિશને મહાનગરપાલિકાઓના કૅન્ડિડેટ્સ માટે લોકવસ્તીની સંખ્યા પ્રમાણે ખર્ચમર્યાદા જાહેર કરી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્શન કમિશને રાજ્યમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિત ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દીધી છે. ૧૫ જાન્યુઆરીએ વોટિંગ થવાનું છે અને ૧૬ જાન્યુઆરીએ રિઝલ્ટ જાહેર થશે. જોકે આ સાથે ઇલેક્શન કમિશને આ ચૂંટણીના ઉમેદવારો માટે મહત્તમ ખર્ચની મર્યાદા પણ જાહેર કરી છે. તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશન્સ તેમની લોકવસ્તી પ્રમાણે A, B, C અને D ક્લાસમાં વહેંચાયેલી હોય છે અને એ મુજબ જ ઇલેક્શન કમિશન દ્વારા ઉમેદવારના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ક્લાસ ઉમેદવાર માટે ખર્ચમર્યાદા કૉર્પોરેશન્સ

A      ૧૫ લાખ               મુંબઈ, પુણે, નાગપુર,

                                ભિવંડી-નિઝામપુર

B      ૧૩ લાખ               પિંપરી-ચિંચવડ, નાશિક,
                                થાણે અને અહિલ્યાનગર

C      ૧૧ લાખ               કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ,

                                છત્રપતિ સંભાજીનગર અને

                                વસઈ-વિરાર વગેરે

D      ૯ લાખ                      મીરા-ભાઈંદર, પનવેલ, અમરાવતી,

                                                          જળગાવ સહિતનાં કૉર્પોરેશન્સ

AIMIM રાજ્યની ૨૭ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે

રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ યોજાવાની છે ત્યારે ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) રાજ્યની ૨૯માંથી ૨૭ નગરપાલિકાની ચૂંટણી લડશે એવું પાર્ટીના નેતા ઇમ્તિયાઝ જલિલે કહ્યું છે. કુલ કેટલી બેઠક પર તેમની પાર્ટી ઝુકાવશે એની વિગતો તેમણે નહોતી આપી, પણ ૨૨-૨૩ ડિસેમ્બરે તેઓ પાર્ટીના ઉમેદવારોનાં નામ જાહેર કરશે એવું જણાવ્યું છે. સમાન વિચારધારા ધરાવતા પક્ષ સાથે ગઠબંધન કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે.  

આચારસંહિતાના અમલ પછી BMCએ ૪૮ કલાકમાં ૨૧૦૩ હોર્ડિંગો અને બૅનરો દૂર કર્યાં

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શનની જાહેરાત થઈ ગયા પછી BMC દ્વારા ૪૮ કલાકમાં ૨૧૦૩ હોર્ડિંગો, બૅનરો, પોસ્ટરો અને ફ્લૅગ્સ દૂર કરવામાં આવ્યાં છે. સોમવારે આચારસંહિતા અમલમાં આવ્યા પછી તરત જ આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.આચારસંહિતા અમલમાં હોય ત્યારે અગાઉથી પરવાનગી લીધા વિના પોસ્ટરો અને બૅનરો લગાવવા પર પ્રતિબંધ હોય છે. પરવાનગી વગર લગાડી દેવામાં આવેલાં બૅનરો અને પોસ્ટરો સામે BMC દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. BMCના લાઇસન્સ વિભાગે બે દિવસમાં ૧૩૨૩ બૅનરો, ૨૨૦ પોસ્ટરો, ૨૬૨ કટઆઉટ હોર્ડિંગ્સ અને ૨૯૩ ફ્લૅગ્સ દૂર કર્યાં છે.

mumbai news mumbai bmc election maharashtra news maharashtra government maharashtra brihanmumbai municipal corporation