17 September, 2025 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીના આયોજન માટે અદાલતે આપેલી સમયમર્યાદા ચૂકી ગયેલા રાજ્યના ચૂંટણીપંચને સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી. ગઈ કાલની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર ચૂંટણીપંચને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે ૨૦૨૬ની ૩૧ જાન્યુઆરી સુધીમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી થઈ જવી જોઈએ, હવે નવી કોઈ સમયમર્યાદા આગળ વધારી આપવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે હવે મહારાષ્ટ્રમાં નવા વર્ષમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી યોજાય એવી શક્યતા છે.
ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે ચૂંટણીપંચને અલ્ટીમેટમ આપતાં કહ્યું હતું કે સીમાંકનની પ્રક્રિયા ૩૧ ઑક્ટોબર સુધીમાં પૂરી થઈ જવી જોઈએ, સીમાંકનની પ્રક્રિયાના બહાને ચૂંટણી પાછી ઠેલાવી ન જોઈએ.
૬ મેએ અદાલતે રાજ્યના ચૂંટણીપંચને ૪ મહિનામાં ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો હતો. એનું પાલન ન થતાં અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્રની તમામ જિલ્લાપરિષદ, પંચાયત સમિતિ અને કૉર્પોરેશનની ચૂંટણી માટે કોઈ પણ લૉજિસ્ટિક સહાય જોઈએ તો ૩૧ ઑક્ટોબર સુધીમાં અદાલતને અરજી કરવાની રહેશે. ત્યાર બાદ કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) ઉપલબ્ધ ન હોવાની સમસ્યાનો ઉકેલ લાવીને એ બાબતની કમ્પ્લાયન્સ ઍફિડેવિટ ૩૦ નવેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ રાજ્યના ચૂંટણીપંચને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે બૉમ્બે હાઈ કોર્ટને વિવિધ અરજીઓ કરવામાં આવી છે. આ બધી જ અરજીઓને એક જ ખંડપીઠ સમક્ષ રજૂ કરીને એનો ઉકેલ લાવવાનો નિર્દેશ સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો.
અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના અનામતના પ્રશ્નને લીધે ૨૦૨૨થી મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી પાછી ઠેલાતી જાય છે. હવે કોઈ પણ મુદ્દે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી રોકાવી ન જોઈએ એવું સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને સ્પષ્ટ કહી દીધું હતું.