19 August, 2025 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારે દોડધામ કરીને આખરે કચ્છ જતી ટ્રેન પકડ્યા બાદ ખુશખુશાલ કલ્પના અને પ્રવીણ નાગડા.
પર્યુષણ આવી રહ્યાં હોવાથી કલવાનાં કલ્પના નાગડા અને તેમના પતિ પ્રવીણ નાગડા સયાજીનગરી એક્સપ્રેસ પકડીને તેમના ગામ મોટી વણોટ જવા નીકળ્યાં હતાં. ભારે વરસાદને લીધે સાયન-માટુંગામાં પાણી ભરાવાને લીધે ટ્રાફિકમાંથી તેમની ઓલા કૅબે બહુ સમય લીધા બાદ તેમને દાદર બ્રિજ પર ઉતાર્યાં, પણ ટ્રેન છૂટી ગઈ હતી. એ પછી એ ટ્રેન પકડવા માટે તેમણે ભારે ભાગદોડ કરી એટલું જ નહીં, અંધેરી ગયાં, બાંદરા ગયાં, ખાર ગયાં અને આખરે કરન્ટ ટિકિટ કઢાવીને જનરલ બોગીમાં પ્રવાસ કર્યો હતો.
વરસાદને કારણે ભોગવવી પડેલી હેરાનગતિ વિશે માહિતી આપતાં કલ્પના નાગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા દીકરાએ અમને કહ્યું હતું કે બહુ વરસાદ છે, હેરાન થશો, ઓલા કૅબ કરી આપું છું એમાં દાદર જાઓ. અમે ઓલા કૅબમાં દાદર આવવા બપોરે ૧૨.૩૦ વાગ્યે નીકળી ગયાં હતાં. કુર્લા, સાયન અને માટુંગામાં પાણી ભરાવાને કારણે ભારે ટ્રાફિક હતો એથી અમે ટ્રેન છૂટી ત્યારે દાદર ફ્લાયઓવર પર જ હતાં. અમે એ ટ્રેન પકડવા માટે લોકલ ટ્રેનમાં અંધેરી ગયાં, પણ ખબર પડી કે ટ્રેન ત્યાંથી પણ નીકળી ગઈ છે. એટલે કચ્છ માટેની બીજી ટ્રેન બાંદરાથી પકડવા બાંદરા ઊતર્યાં ત્યારે એક જણે કહ્યું કે અહીંથી ટર્મિનસ બહુ લાંબે છે, તમે ખાર જતાં રહો. એટલે અમે પાછાં ટ્રેનમાં ખાર ગયાં. ખારના લાંબા બ્રિજ પર ચાલીને અમે પ્લૅટફૉર્મ પર પહોંચ્યાં. અમારે કચ્છ એક્સપ્રેસ પકડવી હતી. ટિકિટ નહોતી એટલે કરન્ટ ટિકિટ કઢાવવાની હતી. બાંદરા ટર્મિનસનું ટિકિટ બુકિંગ કાઉન્ટર બાંદરામાં છેક છેવાડે છે ત્યાં સુધી ગયાં અને ટિકિટ કઢાવીને ૫.૩૦ વાગ્યાની કચ્છ એક્સપ્રેસની જનરલ બોગીમાં પ્રવાસ કર્યો હતો.’