03 January, 2026 01:22 PM IST | Thane | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે ક્રાઇમ બ્રાન્ચના કલ્યાણ યુનિટ દ્વારા ગઈ કાલે ગોલ્ડ ચોરી કરતી ઈરાની ગૅન્ગના બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ૩૦ લાખ રૂપિયાનું ચોરાયેલું સોનું જપ્ત કર્યું હતું.
આરોપીઓની ઓળખ ૩૮ વર્ષના કાસિમ ગરીબશાહ ઈરાની અને ૩૨ વર્ષના મુખ્તાર શેરુ હુસેન તરીકે થઈ હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ બે આરોપીઓની ધરપકડને કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સોનાના દાગીનાની ચોરીના ૫૨ કેસો ઉકેલાયા હતા. કોળસેવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસની તપાસ દરમ્યાન આ બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આરોપીઓએ થાણે, મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણ, અંબરનાથ, બદલાપુર, ભિવંડી અને કર્ણાટકનાં અનેક સ્થળોએ પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાની જાણકારી પોલીસે આપી હતી. પોલીસ-અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે કાસિમ ઈરાની વિરુદ્ધ પુણે, નાશિક અને થાણેમાં હત્યાના પ્રયાસ અને લૂંટના આરોપ સાથે ૧૬ કેસો અગાઉથી નોંધાયેલા છે.