12 January, 2025 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જનક મેહતાલિયા
વિલે પાર્લેમાં તુલસીધામ સોસાયટીમાં રહેતા ૫૯ વર્ષના જનક મેહતાલિયાનો મોબાઇલ ચોરીને તેમની બૅન્કિંગ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને ચોરે ૧.૦૫ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ જુહુ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. જનકભાઈનો મોબાઇલ પાંચમી જાન્યુઆરીએ વિલે પાર્લે સ્ટેશન નજીક ચોરાયો હતો. ત્યાર બાદ જનકભાઈ કામમાં હોવાથી એની પોલીસ-ફરિયાદ કરવાનું તેમણે જરૂરી સમજ્યું નહોતું. દરમ્યાન, ૭ જાન્યુઆરીએ ઈ-મેઇલ તપાસતાં પોતાના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝૅક્શનમાં ૧.૦૫ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાની તેમને જાણ થઈ હતી.
મોબાઇલ ચોરાયો એ જ દિવસે અમારી પાસે ફરિયાદ નોંધાવી હોત તો જનકભાઈના બૅન્ક-ખાતામાંથી ગયેલા પૈસા બચી ગયા હોત એમ જણાવતાં જુહુ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીનો સૅમસંગ કંપનીનો લાઇટ મોબાઇલ પાંચમી જાન્યુઆરીએ બોરીવલી જવા માટે તેઓ વિલે પાર્લે સ્ટેશન પર આવ્યા ત્યારે ચોરાઈ ગયો હતો. એ સમયે તેઓ પ્રોગ્રામમાં જતા હોવાથી ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન પર આવ્યા નહોતા એટલું જ નહીં, બીજા દિવસે પણ તેઓ પોલીસ-સ્ટેશન પર ફરિયાદ કરવા આવ્યા નહોતા. અંતે ૭ જાન્યુઆરીએ તેઓ પોતાની ઈ-મેઇલ તપાસી રહ્યા હતા ત્યારે તેમના બૅન્ક-ખાતામાંથી ૧.૦૫ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ વધુ તપાસ કરતાં બૅન્ક ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને UPI આઇડી દ્વારા પૈસા સેરવી લીધા હોવાની માહિતી મળતાં તેમણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં ફરિયાદીનો ૩૫,૦૦૦ રૂપિયાનો મોબાઇલ ઉપરાંત ૧.૦૫ લાખ રૂપિયા બૅન્કમાંથી એમ ૧.૪૦ લાખ રૂપિયા ગયા હોવાની ફરિયાદ અમે નોંધી છે.’
મારી તમામ લોકોને અપીલ છે કે જો તમારો મોબાઇલ ચોરાય તો તાત્કાલિક એની ફરિયાદ કરો અને એની સાથે તમારી તમામ બૅન્કિંગ ઍપ્લિકેશન બ્લૉક કરી દો એમ જણાવતાં જનક મેહતાલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો મોબાઇલ ગયો એના એકથી બે કલાક સુધી ફોન ચાલુ હતો એટલે મને એમ કે મોબાઇલ ચોરાયો નથી અને હું જ ક્યાંક ભૂલી ગયો છું એટલે મેં ફરિયાદ નોંધાવી નહોતી. જોકે જ્યારે મને ખબર પડી કે મારા બૅન્ક-ખાતામાંથી પૈસા ઊપડી ગયા છે ત્યારે મેં બૅન્કમાં જઈને તપાસ કરી ત્યારે ખબર પડી કે મોબાઇલ ચોરનારે નવું UPI આઇડી બનાવીને પહેલા દિવસે ૫૦૦૦ રૂપિયા અને બીજા દિવસે ૨૫,૦૦૦-૨૫,૦૦૦ રૂપિયા એમ કરીને પૈસા ઉપાડ્યા હતા. અંતે મેં તાત્કાલિક બૅન્કમાં મારું અકાઉન્ટ બ્લૉક કરાવી દીધું હતું અને ત્યાર બાદ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’