03 April, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈ પાસે આવેલા ફુજિરાહ વચ્ચે અન્ડરવૉટર રેલવે ટનલ બાંધીને બેઉ શહેરો વચ્ચે રેલવે-સર્વિસ શરૂ કરવાની યોજના UAEના નૅશનલ ઍડ્વાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા થોડાં વર્ષો પહેલાં તૈયાર કરવામાં આવી હતી, પણ આ પ્રોજેક્ટ પર એ પછી કોઈ અપડેટ આવી નથી. હાલમાં આ કંપનીએ આ રેલવે અન્ડરવૉટર ટનલ કેવી દેખાશે અને કેવી રીતે માત્ર બે કલાકમાં આ પ્રવાસ પૂરો કરશે એનો વિડિયો યુટ્યુબ પર મૂક્યો છે. આ પ્રોજેક્ટ ૨૦૩૦ સુધીમાં પૂરો થવાની ધારણા રાખવામાં આવી છે અને એ સફળ રીતે અમલી બને તો પાણીની નીચેથી મુંબઈથી દુબઈનો પ્રવાસ કરવાનો ઉમંગ અનેરો થશે.
વિડિયોમાં જણાવ્યા અનુસાર આ ફ્લોટિંગ ટનલ આશરે ૨૦૦૦ કિલોમીટર લાંબી હશે અને એમાં ૬૦૦થી ૧૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટનલ એવી હશે કે અન્ડરવૉટર જીવસૃષ્ટિ પણ જોઈ શકાશે. હાલમાં વિમાન દ્વારા પ્રવાસ કરવામાં બેથી અઢી કલાકનો સમય લાગે છે, પણ ટ્રેન દ્વારા પ્રવાસ એના કરતાં ઓછા સમયમાં પૂરો કરી શકાશે.
આ ટનલ દ્વારા મુંબઈથી દુબઈને નર્મદા નદીનું પાણી મોકલવામાં આવશે અને દુબઈથી ભારતને ઑઇલ મોકલવામાં આવશે. આ સિવાય ઝડપથી માલસામાનની પણ હેરફેર થઈ શકશે.
જોકે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે અબજો ડૉલરનું રોકાણ કરવું પડશે.