26 April, 2025 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : આશિષ રાજે
મુંબઈ ટ્રૅફિક-પોલીસે પરેલ અને પ્રભાદેવીને જોડતા ૧૧૦ વર્ષ જૂના એલ્ફિન્સ્ટન બ્રિજને ગઈ કાલ રાતે ૯ વાગ્યાથી બંધ કરવાની જાહેરાત કરી હતી. જોકે એની સામે સ્થાનિક રહેવાસીઓએ જોરદાર વિરોધ દર્શાવ્યો હતો અને બ્રિજ બંધ કરવાની કાર્યવાહીને ખોરવી નાખી હતી એટલું જ નહીં, સેંકડોની સંખ્યામાં તેઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ હતી.
બાંદરા-વરલી સી-લિન્કને અટલ સેતુ સાથે જોડવા એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં એલ્ફિન્સ્ટન બ્રિજ વચ્ચે આવી રહ્યો છે. બીજું એ કે બ્રિજ એક સદી વટાવી ગયો હોવાથી નબળો પડી ગયો છે એથી એને તોડી પાડીને નવો બ્રિજ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઓથૉરિટી (MMRDA) બનાવવાની છે. ગઈ કાલે રાતે પરેલમાં જેસીબી મોકલવામાં આવ્યું હતું જેથી બ્રિજ બંધ કરીને ત્યાં થોડો રોડ ખોદી નાખવામાં આવે જેથી ત્યાંથી પસાર ન થાય. જ્યારે બ્રિજની સામેની બાજુ પ્રભાદેવીના એન્ડ પર એક હેવી ક્રેન મોકલવામાં આવી હતી. ટ્રૅફિક રોકવા લોખંડનું મોટું બૅરિકેડ ત્યાં ગોઠવાવાનું હતું જે એ ક્રેન લાવી હતી. બન્ને તરફની કાર્યવાહી લોકોએ ખોરવી નાખી હતી. જેસીબીને ત્યાં ખાડો પાડવા દેવાયો નહોતો અને બીજી બાજુ ક્રેનને બૅરિકેડ મૂકવા દેવામાં આવ્યું નહોતું અને લોકોએ એને પાછું મોકલાવી દીધું હતું. વિરોધ કરી રહેલા સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ‘બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવા સામે અમારો વાંધો નથી. સરકારે અમને, આ પ્રોજેક્ટના વિસ્થાપિતોને ક્યાં અને કઈ રીતે જગ્યા આપશે, કઈ રીતે પુનર્વસન કરશે એનો કોઈ પ્લાન આપ્યો નથી. તો એ ક્લૅરિટી ન થાય તો અમારું શું? એટલે પહેલાં સરકાર એ ક્લિયર કરે એ પછી ભલે નવો બ્રિજ બનાવે, અમને વાંધો નથી.’
કેટલાક રહેવાસીઓએ બ્રિજ બંધ કરવામાં આવી રહ્યો છે એની જાણ કરતું બોર્ડ પણ બ્રિજ પરથી ઉતારી લીધું હતું. મોટી સંખ્યામાં લોકો ઊતરી આવતાં પોલીસ અને ટ્રૅફિક-પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોએ અટકાવેલો ટ્રૅફિક ક્લિયર કર્યો હતો. સામા પક્ષે વાહનચાલકોએ પણ બ્રિજ વાપરવાનું ચાલુ રાખ્યું હતું અને ટ્રૅફિક-પોલીસ ના પાડતી હોવા છતાં વાહનો સાથે ડ્રાઇવ કર્યું હતું.