03 November, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારાના પેલ્હારમાં હાઇવે પર ગઈ કાલે મુંબઈથી ગુજરાત જતી વખતે એક ટ્રક-ડ્રાઇવરે સ્ટિઅરિંગ પરથી કાબૂ ગુમાવતાં તેણે પહેલાં રિક્ષાને અડફેટે લીધી હતી અને એ પછી એક બાઇકસવારને અડફેટે લીધો હતો. આ ઍક્સિડન્ટમાં રિક્ષામાં પ્રવાસ કરી રહેલા સજ્જાદ ઉસ્માની અને તેના દીકરા આતિફ ઉસ્માનીનાં મોત થયાં હતાં અને બાઇકસવાર ઘાયલ થયો હતો. આ આખી ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાનો ખુડદો બોલી ગયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે સજ્જાદ ઉસ્માની અને તેના દીકરા આતિફનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ગંભીર ઈજા પામેલા બાઇકસવારને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ ઘટનાને કારણે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જૅમ થયો હતો.
અકસ્માતની અન્ય એક ઘટના થાણેના ઘોડબંદર રોડ પર બની હતી. કળંબોલીથી હેવી મટીરિયલ લઈને ગુજરાત જવા નીકળેલી ટ્રકના ૫૦ વર્ષના ડ્રાઇવર કામતા પાલે કૅડબરી જંક્શન પાસે ટ્રક પરથી કાબૂ ગુમાવીને ટ્રકને ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી જેમાં તેને માથા પર ઈજા થઈ હતી. તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો.
પુણેના બંડ ગાર્ડન વિસ્તારમાં ગઈ કાલે પરોઢિયે ૪.૪૯ વાગ્યે એક કારચાલકે તેની કાર બંડ ગાર્ડન મેટ્રો સ્ટેશનના પિલર સાથે જોશભેર અથડાવતાં કારમાં પ્રવાસ કરી રહેલા રિતિક ભંડારી અને યશ ભંડારીનાં મોત થયાં હતાં જ્યારે કુશવંત ટેકવાણીને ગંભીર ઈજા થતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.