Mumbai Fire: કુર્લામાં લાગેલ ભીષણ આગમાં ૨૦ ગાળા બળી ગયા

13 October, 2025 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: આ આગ આશરે ત્રણ હજાર ચોરસ ફૂટના વિસ્તારને આવરી લેતા ૧૫થી ૨૦ ગાળાઓમાં ફેલાઈ હતી. સ્ક્રેપ મટિરિયલ બળીને ખાક થઇ ગયું.

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં જ મુંબઈમાં આગની બે ઘટનાઓ (Mumbai Fire) બની હતી. એક વર્લી સી ફેસ ખાતે આવેલી એક રહેણાંક બિલ્ડિંગમાં અને બીજી આગની ઘટના કુર્લા ખાતે કાપડીયા નગરમાં બની હતી. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા આ બન્ને આગની ઘટનાઓમાં તાત્કાલિક પગલાં લેવાયા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. બન્ને ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. 

કુર્લા ખાતે લેવલ-૨ની આગ ફાટી 

મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા કુર્લા ખાતે આગની અન્ય એક અલગ ઘટના (Mumbai Fire)ની માહિતી આપવામાં આવી હતી. સોમવારે વહેલી સવારે આ આગની બીજી ઘટના નોંધાઈ. મુંબઈ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કુર્લા (પશ્ચિમ)માં ગુરુદ્વારા નજીક કાપડિયા નગરના સીએસટી રોડ પર લેવલ-૨ની આગ લાગી હતી. ફાયર વિભાગે પરિસ્થિતિ સંભાળી પણ તે પહેલાં આગને કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર આ ઘટના સોમવારે લગભગ વહેલી સવારે ૨.૪૨ કલાકે બની હતી. આ આગને શરૂઆતમાં અધિકારીઓ દ્વારા લેવલ-૧ની જાહેર કરવામાં આવી હતી, જોકે ૨.૫૭ વાગ્યે લેવલ-૨ની ગણાઈ હતી. એમએફબી અનુસાર આ આગ આશરે ત્રણ હજાર ચોરસ ફૂટના વિસ્તારને આવરી લેતા ૧૫થી ૨૦ ગાળાઓમાં ફેલાઈ હતી. વધુમાં અહીં ઓટોમોબાઇલના સ્પેરપાર્ટ્સ, ટાયર, ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટોલેશન, સ્ક્રેપ મટિરિયલ બળી ગયા હતા. 

આ આગ (Mumbai Fire)ને કાબૂમાં લેવા ચાર ફાયર એન્જિન, ત્રણ ફાયર ટેન્ડર, બે મોટર વોટર ટેન્કર, દસ જમ્બો ટેન્કર, ત્રણ અદ્યતન પાણીના ટેન્કર અને બે ઝડપી પ્રતિક્રિયા આપતા વાહનોની સાથે ૧૦૮-એમ્બ્યુલન્સ તૈયાર રાખીને અગ્નિશામક કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર કુર્લાના કપાડિયા નગરમાં લેવલ-૨ની જે આગ ફાટી નીકળી હતી તે સવારે ૭.૨૪  સુધીમાં ઓલવી દેવાઈ હતી. કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી પણ, ઓટોમોબાઇલના સ્પેરપાર્ટ્સ અને બીજી સામગ્રીના સ્ટોકને નુકસાન થયું હતું.

વર્લી સી ફેસ સ્થિત એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી હતી 

શનિવારની સાંજે વર્લી સી ફેસ સ્થિત એક રહેણાંક બિલ્ડિંગમાં લેવલ-૧ની આગ (Mumbai Fire) લાગી હતી. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આ ઘટનાની જાણ લગભગ આઠ વાગ્યે કરવામાં આવી હતી અને મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી) દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ આગ અગિયાર માળની ઈમારતના છઠ્ઠા માળે એક ફ્લેટની અંદર લાગી હતી. જેમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટોલેશન, કપડાં, પ્લાયવુડ, ફર્નિચર અને ઘરગથ્થુ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઈ હતી. વધુમાં, આ આગને કારણે ગાઢ ધુમાડો આખી બિલ્ડીંગમાં ફેલાઈ ગયો હતો.

એમએફબીએ ૮.૨૩ વાગ્યે આ આગ (Mumbai Fire)ને લેવલ-૧ ગણાવી હતી. આ એક રહેણાંક સોસાયટી હોઈ મુંબઈ ફાયર બ્રિગેડના ઘણા અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઓફિસર, એક સિનિયર સ્ટેશન ઓફિસર, એક સ્ટેશન ઓફિસર અને ત્રણ ફાયર એન્જિન, એક ફાયર ટેન્ડર, ત્રણ જમ્બો ટેન્કર, એક એરિયલ લેડર પ્લેટફોર્મ, એક બ્રીદિંગ ઓપરેટર્સ વેન અને ૧૦૮-એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી અને તેથી પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. બે કલાકથી વધુની જહેમત બાદ ૧૦.૩૫ વાગ્યે આગને પૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. સ્થળ પર હાજર અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ નથી અને બધું નિયંત્રણમાં લેવામાં આવ્યું છે. 

 

mumbai news mumbai mumbai fire brigade fire incident worli kurla mumbai police maharashtra news maharashtra