Mumbai Fire : અંધેરીની બિલ્ડિંગમાં આગ- 34 વર્ષીય મહિલાનું મોત, છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયાં

27 April, 2025 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: 34 વર્ષીય મહિલાનું મોત થયું છે તે ઉપરાંત આ આગને કારણે છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગની પ્રતીકાત્મક તસવીર

મુંબઈના અંધેરી વિસ્તારમાંથી આગ લાગવાની ભયાવહ ઘટના (Mumbai Fire) સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર લોખંડવાલામાં અશોક એકેડેમી લેન પાસ આવેલ બ્રોક લેન્ડ બિલ્ડિંગમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. આ આગમાં એક 34 વર્ષીય મહિલાનું મોત થયું છે તે ઉપરાંત આ આગને કારણે છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ક્યાં ક્યાં સુધી આ આગ ફેલાઈ હતી?

આ આગ (Mumbai Fire) ગ્રાઉન્ડ-પ્લસ-આઠ માળની ઈમારતના પહેલા માળે લાગી હતી. રૂમ નંબર 104માં આ આગ ભયાવહ રીતે ફેલાઈ હતી. આગ ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, સ્પ્લિટ એસી યુનિટ, વિન્ડો એસી યુનિટ, લાકડાનું ફર્નિચર, ફાઇલો, દસ્તાવેજો, ગાદલું, કાપડ, ઘરની વસ્તુઓ બધાને ખાક કરનારી રહી. ગાઢ ધુમાડો પરિસરમાં ફેલાઈ ગયો હતો. લોકોને આ ધુમાડાથી ગૂંગળામણ અનુભવાઈ હતી. ત્યારબાદ તરત અગ્નિશામકો ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે આવી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોનો ઉપયોગ કરીને તમામ ઇજાગ્રસ્ત લોકોને કોકિલાબેન હોસ્પિટલ, ટ્રોમા હોસ્પિટલ અને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

કમનસીબે, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં પહોંચતાં જ ૩૪ વર્ષનાં અભિના કાર્તિક સંજનવાલિયાને મૃત જાહેર કરવામાં આવ્યાં. અધિકારીઓ આ આગ કયા કારણોસર લાગી હતી તેની તપાસ કરી રહ્યા છે. તેમ્ જ આ બિલ્ડિંગમાં સેફટી ઓડિટ હતું કે કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

કોકિલાબેન હોસ્પિટલમાંથી ઇજાગ્રસ્તોની યાદી આપવામાં આવી છે તે આ પ્રમાણે છે-

અપર્ણા ગુપ્તા (ઉંમર- 41), દયા ગુપ્તા (ઉંમર-21), રિહાન ગુપ્તા (ઉંમર-03), પ્રદ્યુમ્ન (ઉંમર-10 દિવસ) આ તમામને ધુમાડાને કારણે ગૂંગળામણ થઈ હતી. તેઓ અસ્વસ્થતા અનુભવતા હતાં. તેઓને કોકિલાબેન હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. 

કૂપર હોસ્પિટલમાં જે જે ઇજાગ્રસ્તોને લઈ જવાયા છે તેની વિગતો આ રહી- 

કાર્તિક સંજયવાલિયા (ઉંમર-40)ને ધુમાડાને કારણે ગૂંગળામણ થતાં જ CMO ડૉ. પરવેઝ ગુપ્તા દ્વારા કૂપર હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

Mumbai Fire: આ સાથે જ પોલમ ગુપ્તા (ઉંમર-40)ને ધુમાડાને કારણે ગૂંગળામણ થતાં જ અકેઝ્યુલિટી વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. ટ્રોમા હોસ્પિટલના CMO ડૉ. મોઇન પાસેથી મળતી માહિતી અનુસાર સ્વસ્થતા અનુભવ્યા બાદ તેઓને ઘરે મોકલવામાં આવ્યા હતા.

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે ઘટનાની (Mumbai Fire) માહિતી મળતા જ બચાવ ટીમ સક્રિય થઈ ગઈ અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું. આ આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ જવાબદાર હોય શકે છે.

mumbai news mumbai andheri mumbai fire brigade fire incident lokhandwala kokilaben dhirubhai ambani hospital