17 October, 2025 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી આજે ફરી એકવાર ભયાવહ આગ (Mumbai Fire)નો હાદસો સામે આવ્યો છે. આજે સવારના સમયે નરીમન પોઈન્ટ ખાતે એમસીજીએમ પાર્કિંગમાં આગ ફાટી નીકળવાની ઘટના થઇ છે. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર પાર્કિંગપ્લેસમાં અમુક ઈવી પાર્ક કરેલી હતી. જેના બેટરી બોક્સમાં શોર્ટ સર્કિટ થયું હતું.
આ મામલે તાબડતોબ ફાયર વિભાગને (Mumbai Fire) માહિતગાર કરવામાં આવ્યા હતા. સવારે ૬.૩૦ વાગ્યે ફોન કરીને આ મામલે જાણ કરી દેવાઈ હતી. આગ ઓલવવા અને વધુ નુકસાન ન થાય તે માટે તરત જ પાસેના નરીમન પોઇન્ટ ફાયર સ્ટેશનમાંથી ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળ પર આવી ગયા હતા. અન્ડર ગ્રાઉન્ડમાં પાર્કિંગ માટેની પ્લેસ આવેલી છે. અહીં આ આગ લાગવાની ઘણા બની હતી. જોકે, તાત્કાલિક ઍક્શન લેવાના પગલે ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઇ લેવામાં આવી હતી.
અહેવાલો સૂચવી રહ્યા છે કે ઇવી બગ્ગીની બેટરીમાં શોર્ટ સર્કિટ થયું હતું જેના લીધે આગ લાગી હતી. જોકે, ફાયર વિભાગના પહોંચ્યા બાદ આશરે દસેક મિનિટની અંદર તો આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં હાલમાં કૂલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે.
ભલે અહીં કોઈ જાનહાનિ કે માનહાનિ થઇ નથી પરંતુ જયારે બેટરીમાંથી તણખા ઝર્યા અને આગ પકડાઈ (Mumbai Fire) જેને કારણે અન્ડર ગ્રાઉન્ડ પ્લેસ હોવાથી સારા એવા પ્રમાણમાં ધુમાડો ભરાઈ ગયો છે.
અંધેરીની એક દુકાનમાં આગ લાગી
આવી જ એક અન્ય આગની ઘટના અંધેરીમાં બની છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે અંધેરી ઈસ્ટમાં મરોળના અશોક નગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આજે સવારે આગ લાગી હતી.
બીએમસીના મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ના જણાવ્યા અનુસાર આ ઘટના (Mumbai Fire) સવારે ૮.૧૦ વાગ્યે મિલિટરી રોડથી, અશોક ટાવર નજીક, કેડીએન કમ્પાઉન્ડ ખાતે બની હતી. આગ જે બિલ્ડીંગમાં લાગી તે ગ્રાઉન્ડ-પ્લસ-એક માળ ધરાવે છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક બંધ દુકાનમાં લાગી હતી. સ્થાનિક પોલીસ, અદાણી ગ્રુપનો સ્ટાફ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને વોર્ડ કર્મચારીઓ સહિત એમએફબીની અગ્નિશામક ટીમોને તાત્કાલિક સ્થળ પર રવાના કરવામાં આવી હતી. આ આગને લેવલ-૧ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મુંબઈ ફાયર બ્રિગેડે સવારે ૭.૫૫ કલાકે વાગ્યે જ આ આગને લેવલ-૧ એટલે કે માઈનર ગણાવી હતી. જોકે, ફાયર વિભાગ તરફથી તરત જ રિસ્પોન્સ આપવામાં આવ્યો હતો. હજી આ આગ કઈ રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલમાં આ હાદસાની વિગતવાર તપાસ ચાલી રહી છે. વધુ માહિતી હવે પછી સામે આવી શકે છે.