16 October, 2026 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આગ બિલ્ડિંગની B વિંગના તેરમા માળે ભભૂકી ઊઠી હતી.
નાલાસોપારા (ઈસ્ટ)માં આવેલા ઇમ્પીરિયલ હેરિટેજ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં મંગળવારે રાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં બાવીસ જેટલા ફ્લૅટ્સને નુકસાન પહોંચ્યું છે જેમાંથી બે ફ્લૅટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. ફાયરબ્રિગેડે ગુરુવારે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે સોસાયટી પરિસરમાં નવરાત્રિની ઉજવણી માટે રહીશો દ્વારા લેવાયેલા ગેરકાયદે વીજ-કનેક્શનના કારણે ઓવરલોડ થતાં શૉર્ટ સર્કિટ થયું હોઈ શકે છે જેનાથી આ આગ લાગી હતી.
આગ બિલ્ડિંગની B વિંગના તેરમા માળે ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં ફાલ્ગુની શાહ અને અશ્વિની પારકર નામની બે મહિલાઓનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC)ના ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ રોહન મોરેએ સ્થળ-તપાસ બાદ જણાવ્યું હતું કે રહીશોએ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું હતું અને એના માટે નિયમ વિરુદ્ધ વીજજોડાણ લીધું હોવાનો આક્ષેપ છે. એનાથી વધારાનો લોડ પડતાં શૉર્ટ સર્કિટ સર્જાઈ હતી. આગમાં બે ફ્લૅટ સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા, જ્યારે અન્ય ૨૦ ફ્લૅટ્સને આંશિક નુકસાન થયું હતું. મોટા ભાગના ફ્લૅટ્સના મુખ્ય પ્રવેશદ્વાર પર લાકડાના દરવાજા હોવાથી જ્વાળાઓ ઝડપથી પ્રસરી ગઈ હતી.
તપાસ દરમ્યાન બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ સંપૂર્ણપણે બંધ અને બિનકાર્યક્ષમ હોવાનું સામે આવ્યું હતું. ડેવલપરે ૨૦૨૩માં બિલ્ડિંગ રહીશોને સોંપી દીધું હતું. જોકે બિલ્ડિંગની ૩ વિંગ માટે ૩ અલગ હાઉસિંગ સોસાયટીઓની માગણીને લઈને વિવાદ ઊભો થયો હતો અને આ મામલો સબ-રજિસ્ટ્રારની ઑફિસ સુધી પહોંચ્યો હતો.
આચોલે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુજિતકુમાર પવારે જણાવ્યું હતું કે આ ઘટના સંદર્ભે ડેવલપરને નોટિસ ફટકારવામાં આવી છે અને રહીશો પાસેથી પણ સ્પષ્ટતા મગાઈ છે. પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અસરગ્રસ્ત B વિંગનો વીજપુરવઠો ગુરુવાર સુધી પૂર્વવત્ થઈ શક્યો નહોતો અને કેટલાક બેઘર બનેલા રહીશો માટે નજીકની હોટેલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.