Mumbai Fire Incident: કુર્લાની બહુમાળી બિલ્ડિંગમાં ફાટી આગ, 3 લોકોના થયા આવા હાલ

08 September, 2024 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire Incident: અહીંના ત્રણ લોકોને ગૂંગળામણ થવા લાગી હતી. આ વિષેની ફરિયાદ મળ્યા બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

આગની પ્રતીકાત્મક તસવીર

મુંબઇમાં ગણેશોત્સવની ધૂંધમ ચાલી રહી છે, તે વચ્ચે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના કુર્લા (ઈસ્ટ) વિસ્તારમાં ગઇકાલે 16 માળની રહેણાંક બિલ્ડિંગમાં આગ ફાટી (Mumbai Fire Incident) નીકળી હતી. આ આગ ઈલેક્ટ્રીકલ ડક્ટમાં લાગી હોય ધીમેધીમે વધી હતી. 

લોકોને થવા લાગી ગૂંગળામણ, હોસ્પિટલમાં દાખલ  

કુર્લા વિસ્તારની રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ અહીંના ત્રણ લોકોને ગૂંગળામણ થવા લાગી હતી. આ વિષેની ફરિયાદ મળ્યા બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એમ મુંબઈ સિવિક બૉડીના અધિકારીઓએ જણાવ્યું હતું.

મુંબઈ સિવિક બૉડી દ્વારા આ વિશે એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે તેમ એ પ્રકારે જણાવાયું છે કે આ આગ (Mumbai Fire Incident) બપોરે 2.40 વાગ્યાની આસપાસ નહેરુ નગરમાં સવેરા હાઈટ્સના ચોથા માળમાં આવેલા ડક્ટમાં ફાટી હતી. ધીમેધીમે આ આગ ગ્રાઉન્ડ-પ્લસ- 17 માળની ઇમારતના ચોથાથી 15મા માળ સુધીના ડક્ટમાં ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટોલેશન સુધી પહોંચી હતી, પરંતુ તત્કાલિત ધોરણે મુંબઈ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, ફાયર બ્રિગેડની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, આ આગ કયા કારણોસર લાગી હતી તે વિશેનું કોઈ જ સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બપોરે લગભગ 3.06 કલાકની આસપાસ આ આગ ઓળવી દેવાઈ હતી.

૩ રહેવાસીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા 

તમને જણાવી દઈએ કે આ આગ (Mumbai Fire Incident)ને કારણે ત્રણ રહેવાસીઓએ ગૂંગળામણ થવાની ફરિયાદ મળી હતી. ત્યારબાદ તેમની હાલત જોતાં જ તેઓને નજીકની રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આ રહેવાસીઓની ઓળખ ૫૫ વર્ષનાં અનીશા હિવાલે, ૫૯ વર્ષના અશોક હિવાલે, તેમ જ ૩૮ વર્ષનાં મનીષા પથારે એમ થઈ છે.

બીએમસીએ શું કહ્યું?

સમગ્ર ઘટના અંગે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે "કુર્લા વિસ્તારની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આગ ફાટી (Mumbai Fire Incident) નીકળ્યા બાદ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને આગ હવે કાબૂમાં છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી”

આ કૈં પહેલીવાર બન્યું હોય તેવું નથી. પણ મુંબઈમાં આગની આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, આ પહેલા પણ મુંબઈની બહુમાળી ઇમારતોમાં ભીષણ આગ ફાટી નીકળવાના અનેક અહેવાલો સામે આવી ચૂક્યા છે. હજી તો હમણાં જ લોઅર પરેલ વિસ્તારમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં સ્થિત 14 માળની ટાઈમ્સ ટાવર ઈમારતમાં આગ લાગી હતી. આ ઘટના શુક્રવારે સવારે 6.30 કલાકે બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લગભગ 5 કલાકની મહેનત બાદ સવારે 11.55 કલાકે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

mumbai news mumbai fire incident kurla brihanmumbai municipal corporation