✕

માહિમમાં પી.સી. જૈન જ્વેલર્સની શૉપ પર ફાય‌રિંગ

26 November, 2026 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાઇકસવાર હુમલાખોરોએ બેથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને દહેશત ફેલાવી, દુકાનમાલિકનો આબાદ બચાવ.

પોલીસને માહિતી આપી રહેલા દુકાનમાલિક ભરત જૈન અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ (જમણે)

માહિમમાં શોભા હોટેલ નજીક આવેલી પી. સી. જૈન જ્વેલર્સની દુકાન પર ગઈ કાલે સાંજે સાડાસાત વાગ્યે ગોળીબારની સનસનીખેજ ઘટના બની હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ ખંડણીના વિવાદમાંથી દહેશત ફેલાવવાના ઉદ્દેશ્યથી દુકાન પર કુલ બેથી ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા જેમાં દુકાનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો. સદ્નસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી અને ઘટના સમયે દુકાનમાં હાજર રહેલા દુકાનમાલિક ભરત જૈન સુરક્ષિત બચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે પુણેમાં શિવાજીનગર કોર્ટ બહાર ગોળીબાર અને કોયતા વડે હુમલાની ઘટનાથી રાજ્ય હચમચી ગયું હતું, જ્યારે થોડા દિવસો અગાઉ મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર પણ ગોળીબાર થયો હતો. માહિમ પોલીસે ગઈ કાલે મોડી રાતે ફરિયાદ નોંધી હતી.

સમગ્ર ઘટનાની વિગતો મુજબ હેલ્મેટ પહેરેલા બે હુમલાખોરો બાંદરા તરફથી બાઇક પર આવ્યા હતા અને શોભા હોટેલ નજીક યુ-ટર્ન લઈને જ્વેલર્સની દુકાનની નજીક વાહન ઊભું રાખ્યું હતું. ત્યાર બાદ તેમણે દુકાનની દિશામાં ગોળીબાર કર્યો અને ગોળીબાર કર્યા બાદ બન્ને આરોપીઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા. જે સ્થળે આ ઘટના બની એ શોભા હોટેલ પાસેના ચાર રસ્તા અત્યંત વ્યસ્ત, રાહદારીવાળો અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી સાંજના સમયે અવરજવર કરનારા નાગરિકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ-કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DCP મનોજકુમાર શર્મા સહિતના વરિષ્ઠ પોલીસ-અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા દુકાનમાલિક ભરત જૈનને પોલીસ-સ્ટેશન લઈ જઈ તેમનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમણે ઘટના બાદ પોલીસને પ્રાથમિક અને વિગતવાર માહિતી આપી હતી. અત્યાર સુધીની તપાસમાં શંકાસ્પદ આરોપીઓની ઓળખ થઈ હોવાનું સામે આવ્યું છે અને તેઓ ભિવંડી તરફ નાસી ગયા હોવાની માહિતી મળતાં પોલીસની ટીમો તેમને ઝડપી પાડવા ભિવંડી રવાના થઈ છે તેમ જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીની શોધમાં લાગી છે.

mahim mumbai fire incident mumbai police bhiwandi news mumbai news Crime News mumbai crime news