14 August, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી રહેલાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈ અને અેના મેટ્રોપૉલિટન રીજનના બે મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને કહ્યું કે અે શહેર અને અેની આસપાસના વિસ્તારોમાં ગતિશીલતા અને કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે. દક્ષિણ મુંબઈના સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસથી વિડિયો-લિન્ક દ્વારા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું એ વખતે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર અને અન્ય અધિકારીઓ પણ હાજર હતાં.
દેવેન્દ્ર ફડણવીસે સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (SCLR) ફેઝ-ટૂના અંતિમ BKC-વાકોલા આર્મનું લોકાર્પણ કર્યું હતું. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) વિસ્તારમાં ભીડ ઓછી કરવા માટે ૨૦૧૭-’૧૮માં ૬ કનેક્ટિવિટી લિન્ક્સ બનાવવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ આખરે ૮ લિન્ક્સ બનાવવામાં આવી હતી જેમાં છેલ્લી લિન્કનું ગુરુવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે થાણે-બોરીવલી
ટ્વિન-ટનલ રોડ પ્રોજેક્ટ માટે બીજી ટનલ બોરિંગ મશીન (TBM) ‘અર્જુન’નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ડાયમન્ડ ગાર્ડનથી ચેમ્બુર નાકા સુધીની મેટ્રો 2Bની પણ શરૂઆત કરવામાં આવી હતી.
થાણે-બોરીવલી ટ્વિન ટનલ માટે ‘અર્જુન’ લૉન્ચ
સંજય ગાંધી નૅશનલ પાર્ક થઈને બોરીવલી-થાણે ટ્વિન ટનલ માટે બીજા ટનલ બોરિંગ મશીન (TBM) ‘અર્જુન’ને ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યું હતું. બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્ક બાજુથી અર્જુન ખોદકામ શરૂ કરશે. પહેલા TBM નાયકનું કામ બે મહિના પહેલાં ચાલુ થઈ ગયું છે. બે TBMને કારણે આ પ્રોજેક્ટને વેગ મળશે અને બોરીવલી-થાણે વચ્ચેનો મુસાફરીનો સમય ૬૦-૯૦ મિનિટથી ઘટીને આશરે ૧૫ મિનિટ થશે.
૨૦૩૦ સુધીમાં જનરલ ક્લાસનાં ભાડાંમાં જ AC લોકલમાં પ્રવાસ થશે
રેલવે પોતાની જ ફૅક્ટરીઓમાં ૨૩૮ નવી AC લોકલ બનાવશે, ૨૦૩૦ સુધીમાં તમામ લોકલ AC બનાવવાની તૈયારી
મુંબઈના ઉપનગરીય રેલ નેટવર્ક માટે જરૂરી તમામ ૨૩૮ નવી ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનો હવે ભારતીય રેલવેના પોતાના જ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ્સ પાસેથી ખરીદવામાં આવશે. આ નિર્ણયને પગલે ટ્રેનોના ડિલિવરી-શેડ્યુલમાં સાનુકૂળ ફેરફાર થયો છે. નવી AC રેકનો પ્રથમ લૉટ ૨૦૨૭ સુધીમાં મુંબઈ આવી પહોંચશે, જ્યારે ૨૩૮ જેટલી AC ટ્રેનોનો સમગ્ર કાફલો ૨૦૩૦ સુધીમાં મુંબઈના ઉપનગરીય રેલ નેટવર્કમાં સામેલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક કહ્યું હતું કે AC ટ્રેનો આવવાથી જનરલ ક્લાસનું ભાડું વધશે નહીં.
કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશ્યલ મીડિયા પર આ મહત્ત્વાકાંક્ષી નિર્ણયની અધિકૃત જાહેરાત કરી હતી. આ વિડિયો દેવેન્દ્ર ફડણવીસે પણ પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં મુંબઈની તમામ લોકલ ટ્રેનો AC ટ્રેનોમાં ફેરવાશે તેમ જ મેટ્રો જેવી સ્વચ્છ અને આધુનિક ટ્રેનો મુંબઈને મળશે.
આ આધુનિક સુવિધાઓથી સજ્જ AC લોકલ ટ્રેનોનું ઉત્પાદન ભારતીય રેલવે હેઠળના ત્રણ મુખ્ય ઉત્પાદન-એકમો ચેન્નઈસ્થિત ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (ICF), કપૂરથલાસ્થિત રેલ કોચ ફૅક્ટરી (RCF) અને રાયબરેલીસ્થિત મૉડર્ન કોચ ફૅક્ટરી (MCF)માં કરવામાં આવશે.
BKC-વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની કનેક્ટિંગ લિન્ક
સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (SCLR) ફેઝ-ટૂના અંતિમ BKC-વાકોલા આર્મનો ૧.૪ કિલોમીટરનો એલિવેટેડ કનેક્ટર મુંબઈ યુનિવર્સિટી દ્વારા BKC અને WEH વચ્ચે સીધી કનેક્ટિવિટી આપશે. અેનાથી અનેક ટ્રાફિક સિગ્નલો દૂર થશે અને સાંતાક્રુઝ, વાકોલા, કલાનગર, કાલીના, કુર્લા અને ચેમ્બુર દ્વારા રસ્તાઓ પરનું દબાણ ઓછું થશે અેવી
અપેક્ષા છે.
મેટ્રો 2Bનું ચેમ્બુર સુધી વિસ્તરણ
નવો માર્ગ : ડાયમન્ડ ગાર્ડનથી ચેમ્બુર નાકા મેટ્રો સ્ટેશન
ચાલુ ફેઝ-વન : ડાયમન્ડ ગાર્ડન-મંડાલે (૮ એપ્રિલે શરૂ થયો હતો)
કનેક્ટિવિટી : મેટ્રો-મોનોરેલ-હાર્બર લાઇનનું ઇન્ટિગ્રેશન
રેલવે લિન્ક : ચેમ્બુર મોનોરેલ સ્ટેશન ચેમ્બુર રેલવે-સ્ટેશનથી આશરે ૨૦૦ મીટર દૂર
લાભ : ચેમ્બુર, ઈસ્ટર્ન સબર્બ્સ અને સાઉથ મુંબઈ સુધીની કનેક્ટિવિટી મળશે.