28 October, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિડિયોમાં અપીલ કરતાં હિમેશનાં મમ્મી-પપ્પા અને મુલુંડમાંથી ગુમ થયેલો હિમેશ બોરખતરિયા.
મુલુંડ-વેસ્ટના ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ પરની ગણેશ સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષનો હિમેશ બોરખતરિયા ૨૦ ઑક્ટોબરે રાતે પપ્પા સાથે થયેલા વિવાદ બાદ ઘર છોડીને ચાલ્યો ગયો છે. મુલુંડ પોલીસે હિમેશ મિસિંગ હોવાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ માટે પોલીસે મુલુંડ અને આસપાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસતાં તેનું છેલ્લું લોકેશન ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મળ્યું હતું. આ કેસમાં હિમેશ પોતાનો મોબાઇલ ઘરે મૂકીને ચાલ્યો ગયો હોવાથી તેને ટ્રેસ કરવાનું પોલીસ માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ ૭ દિવસથી તેનો કોઈ પત્તો ન લાગતાં તેનાં મમ્મી-પપ્પાએ હિમેશને ઘરે આવવાની હાકલ કરતો એક વિડિયો તૈયાર કરીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
હિમેશના પપ્પા કમલેશ બોરખતરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિમેશે મારી જાણ બહાર મારા સંબંધી પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. મને એની જાણ થતાં ૨૦ ઑક્ટોબરે રાતે જમ્યા બાદ મેં તેને શાંતિથી પૂછ્યું હતું કે તેં રૂપિયા શા માટે લીધા હતા, જો તને એવી કોઈ જરૂર હતી તો મારી પાસેથી માગી લેવા હતા. ત્યારે તેણે શા માટે પૈસા લીધા એ મને કહ્યું નહોતું. એ પછી મોબાઇલ રાખીને ઘરમાંથી ચાલ્યો ગયો હતો. મને લાગ્યું કે તે ગુસ્સે ભરાયો છે એટલે થોડી વારમાં પાછો ઘરે આવી જશે. કલાકો સુધી તે ઘરે પાછો ન આવતાં મોડી રાતે હું તેને શોધવા નીકળ્યો હતો. પહેલાં સોસાયટીની આસપાસ તેની શોધખોળ કરી હતી. ત્યાર બાદ તેના નજીકના મિત્રોના ઘરે પણ જઈને પૂછપરછ કરી હતી, પણ તે ક્યાંય મળ્યો નહોતો. ત્યાર બાદ મેં મારા સંબંધીના ઘરે ફોન કરીને માહિતી જાણવાની કોશિશ કરી હતી, પણ તે ત્યાં પણ ગયો નહોતો. એ પછી તે ગુમ થયો હોવાની ફરિયાદ મંગળવારે સાંજે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’
મુલુંડના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિમેશ તેનો ફોન ઘરે રાખીને ચાલ્યો ગયો હોવાથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ થઈ રહ્યું છે. મંગળવારે ફરિયાદ નોંધ્યા બાદ અમે તેના ઘર નજીકના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં તે સ્ટેશન તરફ જતો જોવા મળ્યો હતો. એ પછી આગળનાં ફુટેજ તપાસતાં તેનું છેલ્લું લોકેશન ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મળ્યું હતું. આગળની માહિતી માટે અમે નવઘર પોલીસની મદદ લઈ રહ્યા છીએ. બીજી તરફ ટેક્નિકલ ટીમની મદદથી તેના મિત્રો કોણ હતા કે તે કોની સાથે સંપર્કમાં હતો એની માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ કેસમાં ગુમ થયેલા યુવકે કોઈ તાંત્રિક બાબાને પૈસા મોકલ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે એટલે એ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે અમે લોકોને અપીલ કરી છે કે જો હિમેશ વિશે કોઈ માહિતી મળે તો તાત્કાલિક મુલુંડ પોલીસનો અથવા હિમેશના પપ્પા કમલેશ બોરખતરિયાનો ૯૮૬૭૩૬૫૬૭૫ નંબર પર સંકર કરે.’
મમ્મી-પપ્પાએ હિમેશને ઘરે પાછો આવવાની અપીલ કરી
હિમેશના પપ્પાએ સોશ્યલ મીડિયા પર મૂકેલા વિડિયોમાં અપીલ કરતાં કહ્યું હતું, ‘હિમેશ, તું પાછો ઘરે આવી જા. તારા જેકોઈ પ્રૉબ્લેમ હશે એ આપણે સાથે મળીને સૉલ્વ કરી દઈશું, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, દરેક પરિસ્થિતિમાં અમે તારી સાથે છીએ. બસ, હવે તું જલદી ઘરે પાછો આવી જા.’
98673 65675 : હિમેશ બોરખતરિયાની કોઈને પણ ભાળ મળે તો તેના પપ્પાના આ નંબર પર સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે