03 July, 2026 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સાકીનાકામાં આ મૅનહોલમાં પડી જઈને જીવ ગુમાવ્યો હતો અસલમ શેખે.
આવી બધી ઘટનાઓ માટે જવાબદાર BMC ત્રણ-ચાર લોકોને સસ્પેન્ડ કરીને, તપાસ માટે કમિટી રચવાનું નાટક કરીને બેસી જાય છે અને સામાન્ય માણસે રોજ હથેળીમાં જીવ લઈને ઘરની બહાર નીકળવું પડે છે
મોતનો મૅનહોલ : સાકીનાકામાં પંચાવન વર્ષના એક માણસે ખુલ્લા મૅનહોલમાં પડીને જીવ ગુમાવ્યો: કમિશનર અશ્વિની ભિડેના રાજીનામાની માગણી સાથે વિપક્ષ ઉપરાંત શિંદેસેનાના ડેપ્યુટી મેયરે પણ BMCનો લીધો ઊધડો
ગુરુવારે સવારે સાકીનાકાના ખૈરાની રોડ પર ખુલ્લા મૅનહોલમાં પડી જવાથી એક જણનું મૃત્યુ થયું હતું. સવારે સાડાદસથી પોણાઅગિયાર વાગ્યા દરમ્યાન બનેલી આ ઘટનામાં મૃત્યુ પામનારાનું નામ અસલમ શેખ (પંચાવન વર્ષ) હોવાનું તથા તે સાકીનાકાના યાદવનગરના રહેવાસી અને મજૂરીકામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જણાવ્યા અનુસાર સ્ટૉર્મવૉટર ડ્રેનેજની જાળીનું રિપેરિંગ ચાલતું હતું ત્યારે આ ઘટના બની હતી. અસલમ શેખ ત્યાંથી મોબાઇલ પર વાત કરતાં-કરતાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પગ લપસતાં મૅનહોલમાં પડી ગયા હતા. આ મૅનહોલ વીસથી પચીસ ફુટ ઊંડો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
મૅનહોલમાં પડીને મૃત્યુ પામનારા અસલમ શેખ.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડ અને અન્ય ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું. કલાકોના પ્રયાસો બાદ અસલમ શેખને બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યાર બાદ અધિકારીઓએ અસલમ શેખનું મૃત્યુ થયું હોવાની ખાતરી કરી હતી.
આ મૅનહોલમાં અન્ય કોઈ પડી ન જાય એ માટે સલામતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં તથા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટના બાદ ખુલ્લા મૅનહોલનો પ્રશ્ન ઊભો થયો છે. અસલમ શેખ પોતાના મોબાઇલ ફોન પર વાત કરતી વખતે ખુલ્લા મૅનહોલમાં પડી ગયા હતા. એ સમયે ૩ ખાનગી કૉન્ટ્રૅક્ટ કામદારોએ મેઇન્ટેનન્સ કરવા માટે મૅનહોલનું ઢાંકણું કાઢી નાખ્યું હતું. મુંબઈ ફાયર-બ્રિગેડ અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમે મૅનહોલમાં સીડી ઉતારીને બચાવ-કામગીરી શરૂ કરી હતી. શરૂઆતમાં તો તેમને ફક્ત અસલમ શેખની છત્રી અને ચંપલ જ મળ્યાં હતાં. ડ્રેનેજ સિસ્ટમની અંદર વરસાદી પાણીના જોરદાર પ્રવાહને કારણે તેઓ વહી ગયા કે કેમ એવું લાગ્યું હતું પણ રેસ્ક્યુ ટીમના પ્રયાસોથી બે કલાક બાદ અસલમ શેખનો મૃતદેહ ડ્રેનેજ સિસ્ટમની અંદરથી બહાર કાઢવામાં આવ્યો હતો.
છેલ્લાં પાંચ વર્ષમાં ૩૨૮ મુંબઈગરાઓને ગળી ગયા મૅનહોલ
રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં મળેલી માહિતી મુજબ ૨૦૧૭થી અત્યાર સુધી મુંબઈમાં મૅનહોલમાં પડી જવાથી ૩૨૮ લોકો મૃત્યુ પામ્યાં હતાં. ૨૦૨૦ની ૪ ઑક્ટોબરે ઘાટકોપરના અસલ્ફા વિલેજની આશાપુરા સોસાયટીમાં રહેતાં ૩૨ વર્ષનાં શીતલ દામા અસલ્ફામાં જ સાંકડી ગલીમાં આવેલા એક ખુલ્લા મૅનહોલમાં પડી ગયાં હતાં. શીતલ દામાનો મૃતદેહ બીજા દિવસે બાવીસ કિલોમીટર દૂર હાજી અલી નજીક દરિયાકિનારા પાસેથી મળ્યો હતો.
૪ અધિકારી સસ્પેન્ડ, મરનારના કુટુંબને ૧૦ લાખનું વળતર જાહેર
આ ઘટના બાદ BMCનાં કમિશનર અશ્વિની ભિડેએ આ ઘટના માટે જવાબદાર L વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર, એક અસિસ્ટન્ટ એન્જિનિયર તેમ જ બે સબ-એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કૉન્ટ્રૅક્ટર વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ-કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. BMCએ મૃત્યુ પામનારા અસલમ શેખના કુટુંબને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે યોજના તૈયાર કરવામાં આવશે તથા આ ઘટનાની તપાસ માટે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતા હેઠળ કમિટી નિમાશે એવી માહતી તેમણે આપી હતી.
જે BJPએ રામ મંદિરને નથી છોડ્યું એ BMCને ક્યાંથી છોડે? : આદિત્ય ઠાકરે, વિધાનસભ્ય, શિવસેના (UBT)
આ બધાના કૉન્ટ્રૅક્ટરો ખુશ છે, પણ બીજી બાજુ મુંબઈને લૂંટનારી BJPએ મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ની ભયાનક દશા કરી છે. આ ઘટના માટે જેટલાં જવાબદાર મેયર છે એટલા જ જવાબદાર નગરવિકાસ ખાતાના પ્રધાન પણ છે. ફેકનાથ મિંઢે પણ એટલાં જ જવાબદાર છે. સંસદસભ્યો ફોડવાનો, વિધાનસભ્યો ફોડવાનો, દલાલો સાથે ડીલ કરવાનો બધા માટે સમય છે, પરંતુ પોતાની ફરજ છે એનું પાલન તો કરો. જે BJPએ પવિત્ર રામ મંદિરમાં ગોટાળો કર્યો, રામ મંદિરને ન છોડ્યું તેઓ BMCને ક્યાં મૂકવાના.
૨૦૧૩થી મૅનહોલમાં જાળી કેમ નહોતી? : કિશોરી પેડણેકર, મુંબઈનાં ભૂતપૂર્વ મેયર
૨૦૧૨માં ડૉક્ટર અમરાપુરકર મૅનહોલમાં પડીને મૃત્યુ પામ્યા ત્યાર બાદ BMCએ મૅનહોલમાં જાળી બેસાડવાની શરૂઆત કરી હતી. ભલે કોઈએ મૅનહોલનું ઢાંકણું ખોલ્યું હોય, પણ મારો પ્રશ્ન એ છે કે એમાં જાળી કેમ નહોતી? આ જાળી ઇન્ટરલૉક્ડ હોય છે જે કોઈ ખોલી ન શકે.
ફક્ત ૪ મૅનહોલ ખુલ્લા હતા, એમાંથી એકમાં પડ્યા અસલમ શેખ
BMCએ જણાવ્યા અનુસાર રસ્તાના કૉન્ક્રીટીકરણ માટે આખા મુંબઈમાં ૪૪૪૬ મૅનહોલ ખોલાયા હતા અને ચોમાસા પહેલાં જ મોટા ભાગના બધા મૅનહોલ ફરી બંધ કરી દેવાયા હતા. L વૉર્ડમાં ૭૫ મૅનહોલ ખોલાયા હતા અને ચોમાસું બેઠું ત્યાર બાદ ફક્ત ચારનું રિપેરિંગ બાકી હતું. આ ચારમાંથી એક મૅનહોલમાં અસલમ શેખ પડ્યા હતા.
મુંબઈમાં કેટલા મૅનહોલ?
મૅનહોલની સંખ્યા ૧,૦૩,૯૨૬
જાળી (પ્રોટેક્ટિવ ગ્રિલ) નખાયેલી હોય એવા મૅનહોલ ૯૬,૩૮૩
રસ્તાઓની નીચે રહેલા મૅનહોલ ૧૮૦૦
રસ્તાના કામ માટે ખોલાયેલા મૅનહોલ ૪૪૪૬
BMCનાં કમિશનર હજી કેટલાનો ભોગ લેશે અને દોષનો ટોપલો અમારા માથે ઢોળશે : સંજય ઘાડી, મુંબઈના ડેપ્યુટી મેયર
ચાર-પાંચ દિવસ પહેલા મેં BMCનાં કમિશનરને પત્ર આપ્યો હતો અને પ્રેસને પણ આપ્યો હતો જેમાં પુરાવા સાથે જણાવ્યું હતું કે વૉર્ડસ્તર પર મૅનહોલ માટે બહાર પડાયેલા કૉન્ટ્રૅક્ટની મુદત પૂરી થઈ ગઈ છે છતાં મૅનહોલમાં જાળીઓ લગાવાઈ નથી. એની તપાસ કરવાનો આદેશ આપવાની માગણી કરી હતી. બે દિવસ પહેલાં તેમને મળ્યો ત્યારે પણ યાદ અપાવ્યું હતું, પણ તેમણે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. કમિશનર અને તેમના અધિકારીઓ પર કડક કાર્યવાહી કરો. કમિશનર મૅડમ, હજી કેટલાનો ભોગ લેશો અને એના દોષનો ટોપલો અમારા માથે ઢોળશો?
હજી કેટલાનો જીવ લેશે મહાયુતિ? : નાના પટોલે, વિધાનસભ્ય, કૉન્ગ્રેસ
સવાલ એ છે કે મહાયુતિની આ મહારાષ્ટ્રની સરકાર અને મહાયુતિ શાસિત BMC હજી કેટલા લોકોનો જીવ લેશે? પહેલાં ઝાડ બસ પર પડતાં એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો. હવે ખુલ્લા મૅનહોલમાં પડીને એક જણે જીવ ગુમાવ્યો. ભ્રષ્ટાચારમાં ખદબદતી આ સરકારને હજી કેટલાના જીવ જોઈએ છે?
કાલે ઝાડના મુદ્દે અને હવે મૅનહોલના મુદ્દે... એમ કહીને અમીત સાટમ હસ્યા
વિધાનસભામાં મૅનહોલનો મુદ્દો ઉઠાવીને કડક કાર્યવાહી કરવાની માગણી કરનારા BJPના વિધાનસભ્ય અમીત સાટમ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય જયંત પાટીલ સાથે વાતચીત દરમ્યાન ‘કાલે ઝાડના મુદ્દે થયું અને હવે મૅનહોલના મુદ્દે’ એવું બોલીને હસતા હોય એવો વિડિયો વાઇરલ થયો હતો. અમીત સાટમના આવા વ્યવહારને કિશોરી પેડણેકર સહિત અનેક લોકોએ વખોડ્યો હતો.