રવિવારની રજાને લીધે બચી ગયા મુંબઈગરા

22 July, 2024 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ૧૨ કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો : આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની વચ્ચે અતિશય ભારે ઝાપટાંની છે શક્યતા

ગઈ કાલે પરેલમાં ભારે વરસાદને લીધે જબરદસ્ત પાણી ભરાઈ ગયાં હતાં

જનજીવન અસ્તવ્યસ્ત કરનારો વરસાદ હોવા છતાં રજાના દિવસને લીધે શહેરના લોકો હાલાકીનો સામનો કરવામાંથી બચી ગયા : રેલવેએ પણ  રંગ રાખ્યો : અમુક જગ્યાએ પાણી ભરાયાં, પણ વરસાદ ઓછો થવાથી એ ઊતરી ગયાં : જોકે આજે બપોરે દરિયામાં ભરતી વખતે સાડાચાર મીટરથી ઊંચાં મોજાં ઊછળવાનાં હોવાથી એ સમયે મેઘરાજા વરસી પડ્યા તો મુંબઈગરાઓ થઈ શકે છે બેહાલ

મુંબઈમાં ગઈ કાલે બપોર સુધી સાઉથ મુંબઈમાં વરસાદે બૅટિંગ કર્યા પછી એણે પોતાનો મોરચો ઈસ્ટર્ન સબર્બ્સમાં ખોલ્યો હતો. ગઈ કાલે બપોર પછી ઘાટકોપર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને રાતના ૮ વાગ્યા સુધીમાં શહેરમાં ઘણી જગ્યાએ ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આખા મુંબઈમાં વરસાદનું જોર રહ્યું હતું અને દિવસ દરમ્યાન સીઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો. આ પહેલાં સીઝનમાં જે વરસાદ પડ્યો એ ખાસ કરીને રાતના સમયે પડ્યો હતો. જોકે ગઈ કાલે રવિવારની જાહેર રજા હોવાથી મોટા ભાગના લોકો ઘરમાં જ રહ્યા હતા એટલે હાલાકી ભોગવવાથી બચી ગયા હતા. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, આટલો વરસાદ હોવા છતાં મુંબઈની લાઇફલાઇને રંગ રાખ્યો હતો. વેસ્ટર્ન અને સેન્ટ્રલ બન્ને લાઇન થોડી લેટ દોડી રહી હતી, પણ બંધ નહોતી થઈ. સેન્ટ્રલ રેલવેમાં કુર્લા અને નાહૂર પાસે ટ્રૅક પર પાણી ફરી વળતાં ટ્રેનો ત્યાંથી ધીમે-ધીમે પસાર થતી હતી.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર ગઈ કાલે પરોઢિયેથી જ વરસાદે જોર પકડ્યું હતું. અંધેરી સબવે અને મલાડ સબવેમાં રાબેતા મુજબ થોડી જ વારમાં પાણી ભરાઈ ગયાં હતાં. ટ્રૉમ્બે સબવેમાં ભારે વરસાદને કારણે ચાર ફુટ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો. એ સિવાય હિન્દમાતા, કિંગ્સ સર્કલ, પરેલ, કુર્લાના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ, ચેમ્બુરની શેલ કૉલોની અને વડાલાના સંગ્રામનગરમાં પણ રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. બેઠી ચાલનાં નીચાણ‌વાળાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. એ સિવાય ખાર, સાંતાક્રુઝ અને વિલે પાર્લેમાં એસ. વી. રોડ પર પણ ઘણી જગ્યાએ પાણી ભરાયાં હતાં. જુહુ સર્કલથી ડી.એન. નગર, ગોખલે બ્રિજ પાસે અને મોટા ભાગનાં સિગ્નલો પાસે પણ પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં. પાણી ભરાવાને કારણે બેસ્ટની કેટલીક બસના રૂટ પણ ચેન્જ કરવામાં આવ્યા હતા.  

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ સહિત રાજ્યમાં ભારે વરસાદ હોવાથી સ્ટેટ ડિઝૅસ્ટર ​રિસ્પૉન્સ ફોર્સ (SDRF), સ્થાનિક પ્રશાસન, સુધરાઈ અને પોલીસ સહિત બધાને અલર્ટ રહેવા કહ્યું હતું. એેટલું જ નહીં, હવામાન ખાતા સાથે સંપર્કમાં રહી લેટેસ્ટ અપડેટ લેતા રહીને એ પ્રમાણે યંત્રણાને સાબદી રહી લોકોને રાહત પહોંચાડવા જણાવ્યું હતું.

સવારના ૮થી રાતના ૮ વાગ્યા દરમ્યાન સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો?

સિટી

મિલીમીટર

બી. નાડકર્ણી પાર્ક મ્યુનિસિપલ સ્કૂલ, વડાલા

૧૭૩.૮

આદર્શનગર સ્કૂલ, વરલી

૧૬૩.૮

સૉલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ વર્કશૉપ, દાદર

૧૬૩.૪

શિવડી-કોલીવાડા મ્યુનિસિપલ સ્કૂલ

૧૫૯.૬

પ્રતીક્ષાનગર મ્યુનિસિપલ સ્કૂલ, સાયન

૧૫૯.૪

​ઈસ્ટર્ન સબર્બ્સ

મિલીમીટર

શહાજીનગર મ્યુનિસિપલ સ્કૂલ, ટ્રૉમ્બે

૧૯૬.૦

એન વૉર્ડ, ઘાટકોપર

૧૯૧.૦

નૂતન વિદ્યામંદિર, માનખુર્દ

૧૮૬.૪

માનખુર્દ ફાયર સ્ટેશન

૧૭૮.૨

રમાબાઈ મ્યુનિસિપલ સ્કૂલ, ઘાટકોપર

૧૭૫.૮

વેસ્ટર્ન સબર્બ્સ

મિલીમીટર

નારિયેલવાડી સ્કૂલ, વાકોલા

૧૭૭.૨

BKC ફાયર-સ્ટેશન

૧૭૫.૦

માલપા ડોંગરી મ્યુનિસિપલ સ્કૂલ, અંધેરી-ઈસ્ટ

૧૫૩.૨

સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વર્કશૉપ, સાંતાક્રુઝ

૧૪૩.૫

પાલી-ચિમ્બઈ મ્યુનિસિપલ સ્કૂલ, બાંદરા

૧૪૨.૬

ભારે વરસાદ અને વિઝિબિલિટી ન હોવાથી ૪૪ ફ્લાઇટ કૅન્સલ થઈ

ભારે વરસાદ અને વિઝિબિલિટી ન હોવાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે ૪૪ ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી. આખો દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થવાને લીધે બે વખત રનવે ઑપરેશન બંધ કરવાં પડ્યાં હતાં. ઇન્ડિગો ઍરલાઇન્સની ૨૪, ઍર ઇન્ડિયાની ૮ અને વિસ્તારા ઍરલાઇન્સની ૧૨ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. 

mumbai rains mumbai monsoon monsoon news mumbai weather Weather Update brihanmumbai municipal corporation indian meteorological department mumbai mumbai news