02 November, 2025 06:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપનીના ટેક્નૉલૉજિકલ અપગ્રેડને લીધે હવે ઇલેક્ટ્રિસિટી બિલમાં નામ બદલવું એકદમ સરળ થઈ જશે. ઘર કે દુકાનની ખરીદી કે વેચાણને લીધે કે બીજાં કારણોસર માલિકી બદલાય ત્યારે ગ્રાહકો વીજબિલ પર નામ બદલવા માટે ઑનલાઇન અરજી કરતા હોય છે. હવે અરજી કર્યાના ત્રણથી ૭ દિવસમાં અરજીને મંજૂરી મળી જશે એટલું જ નહીં, મંજૂરીની પ્રોસેસ સંપૂર્ણપણે ઑટોમેટેડ રહેશે.
વીજળીના બિલ પર નામ બદલવા માટે હવે ગ્રાહકોએ ઑનલાઇન અરજી કરીને ફક્ત જરૂરી ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે અને પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે. એ પછી ત્રણથી ૭ દિવસમાં બિલમાં તેમનું નામ અપડેટ થઈ ગયું હશે. અત્યાર સુધી આ પ્રોસેસને લગભગ એક મહિનાનો સમય લાગતો હતો. નામ બદલવાની આ પ્રોસેસને ઝડપી અને સંપૂર્ણ ઑટોમેટેડ બનાવવા માટે એક નવી ઑનલાઇન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.