ધોળે દિવસે ચારકોપમાં પેઠું સોનેરી શિયાળ: લોકોએ કૂતરું સમજીને આસરો આપ્યો, બે મિત્રોએ કર્યું રેસ્ક્યૂ

27 July, 2024 04:05 PM IST  |  Mumbai | Karan Negandhi

મળતી માહિતી મુજબ આ ઘટના ચારકોપ સેક્ટર-૫માં સોમવારે બની હતી. વિસ્તારમાં એક સોનેરી શિયાળ ભૂલું પડ્યું અને રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું હતું

તસવીર: દેવાંગ દવે

Golden Jackal Enters Residential Area of Charkop: લીલાછમ વૃક્ષોના જંગલો કાપીને સિમેન્ટ કોંક્રીટનું જંગલ બની ગયેલા મુંબઈ શહેરમાં અનેક વાર જંગલની નજીકના વિસ્તારોમાં વન્ય પ્રાણી આવી ચડતા જોવા મળે છે. નેશનલ પાર્ક નજીકના વિસ્તારોમાં રાત્રે દીપડો ફરતો હોવાની ઘટનાઓ તો તમે જ સાંભળી જ હશે. હવે આવું જ કંઈક મુંબઈના ગોકુળિયા ગામ કહેવાતા કાંદિવલીમાં બન્યું છે. તાજેતરમાં કાંદિવલી વેસ્ટના ચારકોપ વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે. ચારકોપમાં ધોળે દિવસે સોનેરી શિયાળ ઘૂસી આવ્યું હતું અને લોકો તેને કૂતરું સમજી બેઠા હતા. ઘટનાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ આ ઘટના ચારકોપ સેક્ટર-૫ (Charkop Sector-5)માં સોમવારે બની હતી. વિસ્તારમાં એક સોનેરી શિયાળ ભૂલું પડ્યું અને રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું હતું. ઘટના લગભગ સાંજે પાંચ વાગ્યાની છે, આ શિયાળ લોકોની ભારે ચહેલ-પહેલ જોઈને ડરી ગયું હતું અને કલાકો સુધી એક ઘરની બહાર મીટર બોક્સની નજીક ખૂણામાં સંતાઈને બેસી રહ્યું હતું. ઘર માલિકની નજર પહેલીવાર જ્યારે તેના પર પડી તો તેમને લાગ્યું કે આ કૂતરું છે અને વરસાદથી બચવા માટે છાપરા નીચે આસરો લઈને બેઠું છે.

લગભગ બે કલાક બાદ જ્યારે ફરી તેના પર નજર ગઈ ત્યારે પણ શિયાળ ત્યાં જ બેઠું હતું. આ વખતે ઘરમાં રમતાં બાળકનું ધ્યાન તેના પર ગયું અને તેણે પરિવારને જણાવ્યું કે તેમના ઘરની બહાર એક સોનેરી શિયાળ (Golden Jackal) બેઠું છે. આ વાતનું ભાન થતાં જ પરિવારે એનજીઓ સ્પ્રેડિંગ અવેરનેસ ઑન રેપ્ટાઇલ્સ અને રિહેબિલિટેશન પ્રોગ્રામ (SARRP INDIA)નો સંપર્ક કર્યો. એનજીઓના કાર્યકર્તા તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને શિયાળને સુરક્ષિત રીતે પાછું તેના કુદરતી નિવાસસ્થાને છોડી મૂકવામાં આવ્યું હતું.

ઘટના વિશે વિસ્તારથી જણાવતાં સ્પ્રેડિંગ અવેરનેસ ઑન રેપ્ટાઇલ્સ અને રિહેબિલિટેશન પ્રોગ્રામના કાર્યકર્તા દેવાંગ દવેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, “અમને લગભગ ૭:૩૦ વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી. હું પણ ચારકોપ સેક્ટર-૫માં જ રહું છે એટલે જાણ થતાં જ હું ગણતરીની મિનિટોમાં અહીં પહોંચ્યો હતો. એક પણ ક્ષણ વેડફ્યા વિના અમે વન વિભાગનો સંપર્ક કર્યો હતો અને જરૂરી પરવાનગીઓ લઈને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.”

દેવાંગ કહે છે કે, “મેં તુરંત જ મારા એનજીઓના મિત્ર શુભમ કદમનો સંપર્ક કર્યો. તે ગોરેગાંવથી ઝટપટ એક પાંજરું લઈને સ્થળે પહોંચ્યો અને એમ શિયાળને પાંજરામાં લઈને તુરંત જ તેને નજીકના જંગલમાં છોડી દીધું હતું. શક્ય છે કે તે શિયાળ ત્યાંથી જ અહીં પહોંચ્યું હશે.”

ઉલ્લેખનીય છે કે, વન વિભાગની પરવાનગી સાથે લગભગ એક કલાકની અંદર જ આ બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું.

charkop kandivli environment wildlife mumbai mumbai news karan negandhi