20 November, 2025 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મુંબઈ (Mumbai News)ના અંધેરી સ્ટેશન પરથી ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વહેતો થયો છે જેમાં દાવો કરાયો છે કે એક આધેડ વયના પુરુષે કિશોરીને ધર્મપરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક કિશોરી બાંકડે બેઠેલી છે. અને આધેડ વયનો પુરુષ એને કોઈક પ્રાર્થના કરાવી રહ્યો છે. કિશોરીએ હાથ જોડ્યા છે અને આંખો બંધ કરી છે. પેલો આધેડ વયનો પુરુષ કિશોરી પાસે હાથ જોડીને પ્રેયરનું પઠન કરાવી રહ્યો છે.
જોકે અન્ય મુસાફરે આ આખી ઘટનાનો (Mumbai News) વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે. અન્ય મુસાફર પેલા આધેડ વયના પુરુષને પૂછી રહ્યો છે કે ભાઈ, આ સતત ભીડભાડ ભરેલા રેલવે પ્લેટફોર્મ પર શું થઇ રહ્યું છે? ત્યારે પેલો આધેડ વયનો પુરુષ જણાવે છે કે તે માત્ર માત્ર કોઈ પ્રેયરનું પઠન કરી રહ્યા છે. આધેડ વયના પુરુષની અને અન્ય મુસાફર વચ્ચે થઇ રહેલી રકઝકમાં પેલી કિશોરી ડઘાઈ ગયેલી પણ જોઈ શકાય છે. હવે આ પરિસ્થિતિમાં પોતે શું જવાબ આપવો તે તેને સમજાતું નથી. પણ, મુસાફર પેલી આધેડ વયની વ્યક્તિ પર જાહેર સ્થળે ધર્મ પરિવર્તન કરાવી રહ્યા હોવાનો આરોપ મૂકે છે.
વિડીયો (Mumbai News)માં બે વ્યક્તિઓ વચ્ચેની રકઝક સાંભળી શકાય છે. જયારે પોતાના પર ધર્મપરિવર્તનનો આરોપ મુકાઈ રહ્યો છે ત્યારે પેલો આધેડ વયનો પુરુષ છે ખે છે કે તે પોતે હિન્દુ છે અને અહીં કોઈ પણ ખોટું નથી કરી રહ્યો. જોકે, અન્ય પેસેન્જર તો આ ભાઈને બરાબરના સવાલ કરી રહ્યો છે. અને કહી રહ્યો છે કે રેલવે પ્લેટફોર્મ પર આવી રીતે ધર્મપરિવર્તન કરાવવું બિલકુલ યોગ્ય નથી. સાથે ચેતવણી આપે છે કે જો તે ફરીથી આવું કંઇક કરતો જોવા મળશે તો તેને પોલીસને હવાલે કરવામાં આવશે.
અંધેરી રેલ્વે સ્ટેશન પરથી સામે આવેલા આ વિડીયોએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. આ રીતે રેલવે પ્લેટફોર્મ પર કોઈને પ્રેયર કરવા પર કોઈ નિયંત્રણ છે કે નહીં તે અંગે પણ સવાલો થઇ રહ્યા છે. આમ તો ભારતીય રેલવેમાં સ્ટેશન પરિસરની અંદર કોઈ પણ ધર્મની વ્યક્તિગત પ્રાર્થના પર પ્રતિબંધ નથી. વર્ષ ૨૦૧૮માં નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલો પછી રેલવે મંત્રાલયે એક સ્પષ્ટતા જારી કરી હતી કે પ્રાર્થના પર કોઈ સામાન્ય પ્રતિબંધ નથી. હિંદુઓ, મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓ સહિત તમામ ધર્મોના પેસેન્જર્સ પોતાની આસ્થાનુસાર પ્રાર્થના કરી જ શકે છે પણ તે અન્ય પેસેન્જર્સ માટે અસુવિધારૂપ બનવું ન જોઈએ.
Mumbai News: જો અન્ય પેસેન્જર્સને અડચણ થતી હોય તો જ રેલવે સત્તાવાળાઓ દરમિયાનગીરી કરતા હોય છે. મોટેભાગે રેલ્વે ટ્રેક કે પછી ટિકિટ કાઉન્ટરની નજીક જો આવું કરવામાં આવે તો તે અન્ય પેસેન્જર્સને અડચણરૂપ બનતું હોય છે. આ જ કારણોસર હવે તો કેટલાક મોટા સ્ટેશનો પર હવે પેસેન્જર્સ માટે બહુધર્મીય પ્રેયર રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે.