ઇંગ્લિશ ચૅનલ સોલો ક્રૉસ કરીને મુંબઈની પૅરા-સ્વિમર જિયા રાયે ઇતિહાસ રચ્યો

21 February, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓપન વૉટર સ્વિમિંગની વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાએ તેને ૨૦૨૪નો અડૅપ્ટિવ પર્ફોર્મન્સ ઑફ ધ યરનો અવૉર્ડ એનાયત કર્યો

જિયા રાય

વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા વર્લ્ડ ઓપન વૉટર સ્વિમિંગ અસોસિએશન (WOWSA) દ્વારા આપવામાં આવતો અડૅપ્ટિવ પર્ફોર્મન્સ ઑફ ધ યરનો ખિતાબ મુંબઈની જિયા રાયે જીતીને ઇતિહાસ રચ્યો છે. ૨૦૦૮માં ઓપન વૉટર સ્વિમિંગ માટે શરૂ કરવામાં આવેલો આ દુનિયાનો સર્વોચ્ચ ખિતાબ છે. ૨૦૨૪નો આ અવૉર્ડ ૧૭ ફેબ્રુઆરીએ સૅન ફ્રાન્સિસ્કોમાં જાહેર થયો હતો. આ અવૉર્ડ મેળવનાર જિયા રાય પહેલી ભારતીય છે.

ગયા વર્ષની ૨૮ જુલાઈએ જિયાએ ૩૪ કિલોમીટરની ઇંગ્લિશ ચૅનલ ૧૭ કલાક અને પચીસ મિનિટ સુધી તરીને પાર કરી હતી. આ સાથે જિયા સોલો ઇંગ્લિશ ચૅનલ ક્રૉસ કરનારી આખી દુનિયાની યંગેસ્ટ પૅરા-સ્વિમર પણ બની હતી. એટલું જ નહીં, ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર (ASD) સાથે આ સિદ્ધિ મેળવનારી તે વિશ્વની પહેલી છોકરી છે.

આ પહેલાં ૨૦૨૩માં તેને નૅશનલ અવૉર્ડ ફૉર ડિસઍબિલિટી અને ૨૦૨૨માં પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પણ મળ્યો હતો. ૧૮ વર્ષથી નાની ઉંમરનાં બાળકો અને ટીનેજરો માટે આ સર્વોચ્ચ સિવિલિયન અવૉર્ડ છે. 

mumbai news mumbai sports news sports