04 September, 2025 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગણેશોત્સવમાં મૂર્તિઓના વિસર્જન દરમ્યાન આતંકવાદી પ્રવૃત્તિઓ ટાળવા અને જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ડ્રોન અને અન્ય ફ્લાઇંગ ઑબ્જેક્ટ્સ (ઊડી શકે એવાં ઉપકરણો) ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૬ સપ્ટેમ્બરથી પાંચ ઑક્ટોબર સુધી ડ્રોન, રિમોટ કન્ટ્રોલથી ચાલતાં માઇક્રોલાઇટ ઍરક્રાફ્ટ્સ, પૅરાગ્લાઇડર્સ, પૅરામોટર્સ, હૅન્ગગ્લાઇડર્સ અને હૉટ ઍર બલૂન ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. પોલીસ સર્વેલન્સ માટે ડ્રોનનો ઉપયોગ કરી શકશે અને અમુક ચોક્કસ કાર્ય માટે ડેપ્યુટી પોલીસ-કમિશનરની પરવાનગી હોય એ ઑબ્જેક્ટને જ ઉડાવવાની છૂટ આપવામાં આવશે. મુંબઈના પોલીસ-કમિશનર દ્વારા અપાયેલા આ આદેશનું ઉલ્લંઘન કરનાર પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે બહાર પાડેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) પ્રમાણે સરકારી શાસનસેવામાં કાર્યરત સ્ટાફને મેડિકલ ચેકઅપ માટે વર્ષે ૫૦૦૦ રૂપિયા સુધીની રકમ જાહેર કરી હતી. રાજ્ય સરકારના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા આ GRમાં જણાવ્યા મુજબ ૪૦થી ૫૦ વર્ષ વચ્ચેની ઉંમરના કર્મચારીઓ માટે દર બે વર્ષે એક વાર અને ૫૧ અને એથી વધુ ઉંમરના કર્મચારીઓને દર વર્ષે હેલ્થ ચેકઅપ માટે આ રકમ સરકાર તરફથી આપવામાં આવશે.