અમૂલ અને ગોકુલ જેવા બ્રૅન્ડેડ દૂધના પૅકેટમાં પાણી ભેળવીને વેચતી ગૅન્ગ અંધેરીમાં પકડાઈ

03 January, 2026 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દૂધની ક્વૉન્ટિટી વધારવા માટે પૅકેટમાંથી દૂધ કાઢીને, પાણી ઉમેરીને ફરી સીલ મારવામાં આવતાં હતાં

પ્રતીકાત્મક તસવીર

અંધેરી-વેસ્ટના ચાર બંગલા વિસ્તારમાંથી બ્રૅન્ડેડ દૂધમાં પાણી ભેળવીને વેચતી ગૅન્ગને વર્સોવા પોલીસે પકડી પાડી હતી. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) અને પોલીસે સાથે મળીને ૩૧ ડિસેમ્બરે આ ભેળસેળવાળું દૂધ તૈયાર કરતી ગૅન્ગની રૂમ પર દરોડા પાડ્યા હતા. આ ઘટનામાં ૭ વ્યક્તિઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આરોપીઓ અમૂલ અને ગોકુલ જેવી ફેમસ બ્રૅન્ડના સીલબંધ પૅકેટમાંથી દૂધ કાઢી રહ્યા હતા, દૂધને પાણીમાં ભેળવી રહ્યા હતા અને એ ભેળસેળવાળા દૂધને ફરી એ જ પૅકેટમાં રીફિલ કરી રહ્યા હતા. છેતરપિંડી માટે એ જ પૅકેટને ફરી સીલ કરીને વેચી રહ્યા હતા.’

પોલીસે જણાવ્યું હતું કે ‘તમામ આરોપીઓ અંધેરી-વેસ્ટના જ રહેવાસી છે. ભેળસેળવાળા દૂધનું ડિસ્ટ્રિબ્યુશન ક્યાં-ક્યાં થતું હતું અને આ જ રીતે બીજી કોઈ જગ્યાએ ભેળસેળ થઈ રહી છે કે નહીં એ વિશે વધુ તપાસ ચાલી રહી છે.’

andheri mumbai police Crime News mumbai crime news mumbai mumbai news