15 November, 2026 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશનને નિશાન બનાવીને આપવામાં આવેલી બૉમ્બની ધમકી બાદ પોલીસ અને સુરક્ષા ઍજન્સીઓને હાઈ ઍલર્ટ પર આવી છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, શનિવારે સાંજે લગભગ ૬:૫૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને ૧૧૨ હેલ્પલાઇન નંબર પર એક ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ દાવો કર્યો હતો કે CSMT રેલવે સ્ટેશન પર બૉમ્બ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફોન ૯૪૨૦૧૧૨૬૫૫ નંબરના મોબાઈલ પરથી કરવામાં આવ્યો હતો. ધમકી મળ્યા બાદ પોલીસે સ્ટેશન પર ડૉગ સ્ક્વૉડ અને બૉમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS) તહેનાત કરી હતી. ત્યારબાદ સમગ્ર રેલવે સ્ટેશન પરિસરમાં સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ અભિયાન રાત્રે લગભગ ૯:૩૦ વાગ્યે પૂર્ણ થયું હતું. જોકે, સ્ટેશન પરિસરમાંથી પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી નથી.
રેલવે પોલીસે આ ઘટના અંગે મુખ્ય કંટ્રોલ રૂમને જાણ કરી છે. હવે ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિની ઓળખ કરવા અને તેને શોધી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. CSMT સ્ટેશન અને તેની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ ધમકી એવા સમયે મળી છે જ્યારે તહેવારોની સિઝનને કારણે દેશભરના રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે; ઘણા લોકો રજાઓ અને તહવારોની ઉજવણી કરવા પોતાના ઘરે જઈ રહ્યા છે અથવા પરત શહેરોમાં આવી રહ્યા છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, મુંબઈના કેટલાક મહત્ત્વપૂર્ણ સ્થળોને ઈમેલ દ્વારા બૉમ્બની ધમકીઓ મળી હતી. આ સ્થળોમાં બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનો બંગલો, મુંબઈના મેયરની ઓફિસ, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ, મહાલક્ષ્મી રેસકોર્સ તેમજ શહેરની વિવિધ બૅન્ક અને અદાલતોનો સમાવેશ થાય છે. આ ધમકીઓ બાદ સંબંધિત વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને ત્યાં બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ અને સ્થાનિક પોલીસને તહેનાત કરવામાં આવી હતી. સાવચેતીના પગલા રૂપે કેટલાક વિસ્તારોને ઘેરી કરી દેવામાં આવ્યા હતા. જોકે, તપાસ દરમિયાન ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. ઈમેલ દ્વારા મળેલી આ ધમકીઓની તપાસ ચાલી રહી છે. દરમિયાન, પોલીસ તે વ્યક્તિની પણ શોધ કરી રહી છે જેણે તાજેતરમાં CSMT રેલવે સ્ટેશનને બૉમ્બની ધમકી આપી હતી.