મુંબઈ પોલીસે ૩ મહિનામાં ડ્રગ્સના ૧૩૩૨ કેસ નોંધ્યા

13 May, 2026 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૭ કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ઍન્ટિ-નાર્કોટિક્સની ટીમે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ૧૩૩૨ કેસ નોંધ્યા હતા, જેમાં ૧૦૮૦ કેસ ડ્રગ્સ લેવાના અને ૨૫૨ કેસ ડ્રગ્સ રાખવાના નોંધાયા છે. પોલીસે ૩૭ કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને ૧૨૮૭ વ્યક્તિની આ સંદર્ભે ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસે ૨૦૨૫માં NDPS ઍક્ટ હેઠળ ૭૬૨૩ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યા હતા, જેમાં ૬૪૮૨ કેસ ડ્રગ્સ રાખવાના અને ૧૧૪૧ કેસ ડ્રગ્સ રાખવાના હતા. કુલ ૮૫૭ કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને ડ્રગ સંબંધિત ગુનાઓમાં ૬૭૭૭ આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે અંધેરી, બાંદરા, ડોંગરી અને મીરા રોડમાં અનેક નાના કેસ પણ નોંધ્યા હતા, જ્યાં આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે દાવો કર્યો હતો કે લોકલ પેડલિંગ નેટવર્ક યુવાનો, પાર્ટી-સર્કિટ અને કૉલેજના વિદ્યાર્થીઓને નિશાન બનાવી રહ્યું છે.

દારૂની જેમ ડ્રગ્સના નશામાં ગાડી ચલાવનારને પણ તરત જ પકડી શકાય એવી કિટ હવે ઉપલબ્ધ થશે

નેસ્કો સેન્ટરની કૉન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે બે વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયા બાદ લાળ (સલાઇવા)બેઝ્ડ ટેસ્ટ-કિટ ખરીદવાના પ્રોજેક્ટને વેગ મળ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ હાઇવે પોલીસ ડ્રગ્સના નશામાં વાહન ચલાવતા ડ્રાઇવરોને પકડવા માટે સ્વૉબ-બેઝ્ડ રોડસાઇડ ટેસ્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. રાજ્ય સરકારની સમિતિ સમક્ષ કરાયેલી દરખાસ્ત મંજૂર થયા બાદ નવી ૧૦૦ કિટ લગભગ ૨૫.૮૧ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે.

અત્યારે ટ્રાફિક-પોલીસ ફક્ત બ્રેથ-ઍનૅલાઇઝરનો ઉપયોગ કરીને દારૂની તપાસ કરી શકે છે. ડ્રગ્સના નશામાં ડ્રાઇવિંગ કરી રહેલાને શોધવા માટે કોઈ ટેસ્ટ-કિટ ઉપલબ્ધ નથી. એના માટે લૅબ-ટેસ્ટ જ કરવી પડે છે, જેથી કાર્યવાહી લંબાઈ જાય છે. નવી કિટથી રસ્તા પર જ ડ્રગ-ટેસ્ટ થઈ શકશે.

mumbai news mumbai thane crime mumbai crime news Crime News maharashtra news maharashtra