કોસ્ટલ રોડ પર કાર-રેસિંગ કરનારાઓનું હવે આવી બનશે

15 February, 2025 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રહેવાસીઓએ કરેલી ઘોંઘાટની ફરિયાદને પગલે ટ્રૅફિક-પોલીસે બે ટીમ બનાવી છે જે બે શિફ્ટમાં કામ કરીને સ્પીડગનથી સ્પીડ મૉનિટર કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ઍક્શન લેશે

કોસ્ટલ રોડ

મરીન ડ્રાઇવ અને વરલી વચ્ચે ખુલ્લા મુકાયેલા કોસ્ટલ રોડ પર રાતના સમયે કાર-રેસિંગના શોખીનો કાર-રેસિંગ કરતા હોવાથી આજુબાજુ રહેતા અનેક લોકોને એને કારણે થતા નૉઇસ-પૉલ્યુશનથી ત્રાસ થાય છે અને એ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી છે. હવે રીજનલ ટ્રાન્સપાર્ટ ઑથોરિટી અને ટ્રૅફિક-પોલીસે તેમના પર ઍક્શન લેવા માટે બે ટીમ બનાવી છે જે બે શિફ્ટમાં રેસિંગ કરનારા કાર-ડ્રાઇવરો પર સ્પીડગનથી સ્પીડ મૉનિટર કરી ઍક્શન લેશે.

રાતના સમયે જ્યારે ટ્રૅફિક ઓછો થઈ જાય છે ત્યારે કાર-રેસિંગના શોખીન યુવકો કોસ્ટલ રોડ પહોંચી જાય છે અને મરીન ડ્રાઇવથી વરલી સુધીના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં ખાસ કરીને રાતે દસથી ૧૨ વાગ્યા વચ્ચે રેસિંગ કરે છે. ફુલ સ્પીડમાં કાર ચલાવવાને કારણે થતા નૉઇસ-પૉલ્યુશનને કારણે ત્યાં રહેતા લોકો ત્રાસી ગયા છે એથી હવે રીજનલ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (RTO) અને ટ્રૅફિક-પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ એના પર ઍક્શન લેવાનું ચાલુ  કર્યું છે. તેઓ હવે જે ફુલ સ્પીડમાં કાર ચલાવતા અને કારમાં સાઇલેન્સર મૉડિફાય કરી નૉઇસ-પૉલ્યુશન કરતા હશે તેમની સામે ઍક્શન લેશે. એ ઉપરાંત ‘નો હૉન્કિંગ ઝોન’માં હૉર્ન વગાડનારાઓ સામે પણ ઍક્શન લેવામાં આવશે. તાડદેવ અને વડાલા RTOના ઑફિસરો હાઈ સ્પીડ ઇન્ટરસેપ્ટર અને સ્પીડગનથી કોસ્ટલ રોડ પર દોડતાં વાહનોની સ્પીડ નોંધશે. સવારે સાતથી મધરાત સુધી તેમની ટીમ આ અત્યાધુનિક સાધનોથી ત્યાં હાજર રહીને નિયમોનો ભંગ કરનારા ડ્રાઇવરો સામે ઍક્શન લેશે.

કોસ્ટલ રોડ પર કાર-રેસિંગ વખતે ૮ ફેબ્રુઆરીએ એક ઍક્સિડન્ટ થયો હતો જેમાં ૧૯ વર્ષની એક ટીનેજરનું મૃત્યુ થયું હતું.

Mumbai Coastal Road marine drive worli mumbai traffic police mumbai traffic mumbai transport news mumbai mumbai news