22 April, 2025 11:22 AM IST | Mumbai | Mehul Jethva
રિસેપ્શનમાં અકસ્માતના સમાચાર મળ્યા પછી લગ્નનાં કપડાંમાં જ અકસ્માતના સ્થળે આવીને નાગરિકોને બહાર કાઢી રહેલા મૃત્યુંજય દૂત.
જૂના મુંબઈ-પુણે હાઇવે પર ખંડાલા બોરઘાટ પર બ્રેક ફેલ થવાના કારણે રવિવારે રાતે એક ટ્રકે ચાર વાહનોને સામે બાજુથી ટક્કર મારતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પુણેમાં રહેતા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ ઉપરાંત ભિવંડીમાં રહેતા સાત લોકો ગંભીર રીતે જખમી થયા હતા. આ ઘટના બની ત્યારે આ પ્રકારના અકસ્માત સમયે બચાવનું કામ કરતા મૃત્યુંજય દૂત ગ્રુપના એક સભ્યની દીકરીનાં લોનાવલામાં લગ્ન હતાં. રવિવાર રાતના અકસ્માતની જાણ થતાં મૃત્યુંજય દૂતો લગ્ન-રિસેપ્શનનો કાર્યક્રમ પડતો મૂકી એ જ કપડામાં નાગરિકોને બચાવવા આશરે ત્રણ કિલોમીટર દોડી ઘટનાસ્થળે આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત કારની અંદરથી સુખરૂપ તમામને બચાવી લીધા હતા. આ કાર્ય બાદ સ્થાનિક પોલીસ દ્વારા મૃત્યુંજય દૂતોની પ્રશંસા કરવામાં આવી હતી.
શું હતી ઘટના?
મુંબઈથી પુણે જતી ગુજરાતથી આવેલી સિમેન્ટથી લોડેડ એક ટ્રકની ખંડાલા નજીક બોરઘાટ પર બ્રેક ફેલ થઈ જતાં એ વિરુદ્ધ દિશામાં જતી રહી હતી અને એણે ચાર વાહનોને સામેથી ટક્કર મારી હતી એમ જણાવતાં લોનાવલા શહેર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર રાહુલ લાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતે દસ વાગ્યાની આસપાસ પુણેથી મુંબઈ આવી રહેલી ત્રણ કાર અને એક રિક્ષાને સામેની બાજુથી ટ્રક અથડાઈ હતી. આ સમયે કાર પણ સ્પીડમાં હોવાથી અનેક લોકો કારમાં ફસાઈ ગયા હતા. એ સમયે સ્થાનિક લોકો રોડ પર ભેગા થયા હતા, પણ કારની અંદર ફસાયેલા લોકોને કાઢવું ખૂબ જ મુશ્કેલ હતું. જોકે પાછળથી સ્થાનિક મૃત્યુંજય દૂતોની મદદથી તમામને કારની બહાર કાઢી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઇનોવા કારમાં મુસાફરી કરી રહેલા પુણેના સદાશિવપેઠમાં રહેતાં ત્રણ જણનાં મોત થયાં હતાં. એ ઉપરાંત બીજી બે કારમાં પુણેથી ભિવંડી જઈ રહેલાં સાત જણને મૃત્યુંજય દૂતોની મદદથી બચાવી લેવામાં આવ્યાં હતાં. આ તમામને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. આ તમામ લોકોને બચાવવામાં મૃત્યુંજય દૂતોએ ખૂબ સારી મદદ કરી હતી.’
મૃત્યુંજય દૂતોએ કેવી રીતે મદદ કરી?
અમારા મૃત્યુંજય દૂત ગ્રુપ સાથે જોડાયેલા વિજય પાટીલની દીકરી ઋતુજાનાં લોનાવલામાં દિવાલી બાગ હૉલમાં લગ્નનું રિસેપ્શન હતું એટલે અમે તમામ લોકો ત્યાં જ હતા એમ જણાવતાં મૃત્યુંજય દૂત ગ્રુપના ગુરુનાથ શાઠેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતે લગ્ન હોવાથી અમે ગ્રુપના તમામ મેમ્બરો લગ્ન માણી રહ્યા હતા. તમામનું જમવાનું પણ બાકી હતું. એ સમયે અમને માહિતી મળી હતી કે ખંડાલા નજીક બોરઘાટ પર અકસ્માત થયો છે અને અનેક લોકો કારમાં ફસાયા છે. આ સમયે અમારા ગ્રુપની મહિલાઓ અને પુરુષો ફસાયેલા લોકોને મદદ કરવા લગ્નના હૉલમાંથી નીકળી ગયાં હતાં. બોરઘાટ સાંકડો હોવાથી આ અકસ્માતને કારણે બન્ને લેનમાં ટ્રૅફિક જૅમ થયો હતો. એ જોતાં આશરે ત્રણથી ચાર કિલોમીટર અમે દોડ્યા હતા અને અકસ્માત સ્થળ સુધી પહોંચ્યા હતા. આ સમયે અમે લગ્નનાં કપડાંમાં જ કારની અંદર અટવાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અમારી સાથે રહેલી મહિલાઓએ તાત્કાલિક મેડિકલ હેલ્પ માટે ઍમ્બ્યુલન્સ આવી શકે એવી વ્યવસ્થા ગોઠવી હતી. અમુક લોકોને અમે તેડીને ટ્રૅફિકથી દૂર લાવી હૉસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા.’
મૃત્યુંજય દૂત એટલે શું?
જ્યારે પણ કોઈ અકસ્માત થાય છે ત્યારે ગોલ્ડન અવર મહત્ત્વનો હોય છે, એ સૌથી કીમતી કલાક છે જેમાં ઈજાગ્રસ્તોને તબીબી સારવાર આપવી પડે છે. ઘાયલને તબીબી સંભાળ કેન્દ્રમાં લઈ જવા માટે કેટલીક મિનિટો અથવા કલાકનો સમય લાગી શકે છે જેથી અનેક વખત અકસ્માત સમયે નાગરિકોનું મૃત્યુ થવાની સંભાવના પણ હોય છે. આવા કિસ્સામાં પોલીસ વિભાગે ઈજાગ્રસ્ત વ્યક્તિને બચાવવા માટે પાયાની પ્રાથમિક સહાય માટે ‘મૃત્યુંજય દૂત’ની રચના કરી છે જેમને અકસ્માત સમયે પ્રાથમિક સહાયની તાલીમ આપવામાં આવતી હોય છે જેઓ સ્વેચ્છાએ પોતાની સેવા આપતા હોય છે.