Mumbai Rain Updates: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનવ્યવહાર અને લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ

24 June, 2026 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rain Updates: શહેરના કેટલાક વિસ્તારોમાં ૩૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાવાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી; સતત વરસાદને લીધે રસ્તાઓ પરનો વાહનવ્યવહાર અને લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ; હવામાન વિભાગ દ્વારા આજે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર

તસવીરઃ અતુલ કાંબલે

મુંબઈ (Mumbai) અને તેના મહાનગર ક્ષેત્ર (Mumbai Metropolitan Region) માં મંગળવારથી ભારે વરસાદ (Mumbai Rains) પડી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ૩૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે અંધેરી સબવે (Andheri subway), હિંદમાતા (Hindmata) અને સાયન-માટુંગા (Sion-Matunga) જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ ભારે વરસાદના (Mumbai Rain Updates) લીધે રેલવે સેવા (Mumbai Local Trains)ઓ વિલંબિત થઈ છે અને રસ્તાઓ પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે. આજે પણ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાનું આગમન

ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ મંગળવારે બપોરે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત (Mumbai Monsoon) કરી હતી, જેની સાથે જ અઠવાડિયાથી ચાલી રહેલી લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે.

આજે ઓરેન્જ એલર્ટ

મુંબઈમાં આજે આખો દિવસ મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે સવારે ૭ વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર અને રત્નાગિરી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને મધ્યમથી તીવ્ર વરસાદની આગાહી કરી છે.

અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

ભારે વરસાદને કારણે અંધેરી સબવે, હિંદમાતા, દાદર અને માલાડ સબવે સહિતના કેટલાક મુખ્ય સ્થળોએ કામચલાઉ ધોરણે પાણી ભરાઈ ગયા હતા. જો કે, મહાનગરપાલિકાના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે હવે ત્યાંથી પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને વાહનવ્યવહાર પૂર્વવત કરી દેવાયો છે.

ગાંધી માર્કેટ અને સાયન ખાતે પાણીના નિકાલની કામગીરી હજુ પણ ચાલુ છે, તેમ છતાં અધિકારીઓએ જણાવ્યું છે કે આ વિસ્તારોમાં વાહનોની અવરજવર સરળતાથી ચાલી રહી છે.

હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં, મુંબઈની લોકલ ટ્રેન સેવા અને બેસ્ટ (BEST) બસ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહી હતી, જેના કારણે સવારના વ્યસ્ત સમય દરમિયાન મુસાફરોને મોટી રાહત મળી હતી.

આગામી થોડા કલાકો દરમિયાન ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલો વરસાદ

મુંબઈ મહાનગરપાલિકા (Brihanmumbai Municipal Corporation)ના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં (મંગળવારે સવારે ૮ વાગ્યાથી બુધવારે સવારે ૮ વાગ્યા સુધી) સૌથી વધુ વરસાદ નોંધાવનારા વેધશાળા કેન્દ્રો નીચે મુજબ છે:

પશ્ચિમ ઉપનગરો (Western Suburbs)

માલવણીમાં ૩૪૩ મીમી, મલાડ ડેપોમાં ૩૧૪ મીમી, એમસીએમસીઆર પવઈમાં ૨૯૪ મીમી, દિંડોશી ફાયર સ્ટેશનમાં ૨૬૩ મીમી, મરોલ ફાયર સ્ટેશનમાં ૨૬૪ મીમી અને બાંદ્રા ફાયર સ્ટેશનમાં ૨૫૬ મીમી વરસાદ નોંધાયો છે.

પૂર્વ ઉપનગરો (Eastern Suburbs)

એસ વોર્ડ ઓફિસ ભંડુપમાં ૨૫bias ૨૫૯ મીમી, એમ-વેસ્ટ વોર્ડ ઓફિસ ચેમ્બુરમાં ૨૫૭ મીમી અને મહારાષ્ટ્ર નગર માનખુર્દમાં ૨૬૨ મીમી વરસાદ પડ્યો છે.

મુંબઈ શહેર (City Area)

એફ-સાઉથ વોર્ડ ઓફિસ પરેલમાં ૩૪૩ મીમી, દાદર ફાયર સ્ટેશનમાં ૨૯૬ મીમી, નાડકર્ણી પાર્ક વડાલામાં ૨૯૪ મીમી, નાયર હોસ્પિટલ મુંબઈ સેન્ટ્રલમાં ૨૪૯ મીમી અને મલબાર હિલમાં ૨૪૮ મીમી વરસાદ નોંધાયો છે.

ચોમાસાને આગળ વધવા માટે જરૂરી સાનુકૂળ પવનો ન હોવાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી નૈઋત્યનું ચોમાસું એક જ જગ્યાએ અટકેલું હતું. જો કે, અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાતા મંગળવારે સવારે ચોમાસું અલીબાગ (ઉત્તર કોંકણ) સુધી પહોંચ્યું હતું અને બપોર સુધીમાં મુંબઈમાં તેનું આગમન થઈ ગયું હતું. આગામી બે દિવસમાં તે બાકીના મહારાષ્ટ્રને પણ આવરી લેશે. મુંબઈમાં આગામી ૪૮ કલાક સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ચોમાસાના આગમનથી તાપમાનનો પારો ગગડ્યો

ચોમાસાના આગમનની સાથે જ ૨૪ કલાકની અંદર તાપમાનનો પારો પણ આશરે ૧૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો ગગડી ગયો છે. બુધવારે સવારે સાંતાક્રુઝ વેધશાળાએ મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. મંગળવારે આ વેધશાળામાં મહત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૪.૬ ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૪.૩ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ૨.૧ ડિગ્રી ઓછું નોંધાયું હતું.

mumbai rains mumbai monsoon monsoon news mumbai weather Weather Update indian meteorological department mumbai local train mumbai trains mumbai mumbai news brihanmumbai municipal corporation andheri matunga sion santacruz colaba mumbai metropolitan region mmr thane palghar raigad