18 October, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ટાઇમ આઉટ ઇન્ડેક્સ-૨૦૨૫માં મુંબઈને સત્તાવાર રીતે વિશ્વના પાંચમા સૌથી ખુશ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મુંબઈએ ૯૫ ટકાથી વધુ હૅપીનેસ રેટિંગ મેળવ્યું છે. મુંબઈગરાઓએ સર્વેમાં જણાવ્યું હતું કે આ શહેર ખરેખર તેમને ખુશ રાખે છે.
જાણીતા હૉસ્પિટૅલિટી ગ્રુપ ‘ટાઇમ આઉટ’ દ્વારા હાથ ધરવામાં આવેલા વૈશ્વિક સર્વેક્ષણમાં લાઇફ ક્વૉલિટી, કલ્ચર, નાઇટ લાઇફ, અફૉર્ડેબિલિટી અને હૅપીનેસનું મૂલ્યાંકન કરવા માટે મુખ્ય શહેરોના ૧૮,૦૦૦થી વધુ લોકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. આ વર્ષે ટોચનાં ત્રણ સ્થળોમાં યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)ના અબુ ધાબી, કોલંબિયાના મેડેલીન અને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનનો સમાવેશ થયો હતો.
બીજિંગ, શિકાગો અને મેલબર્ન જેવાં અનેક ગ્લોબલ મેટ્રોપોલિસને પાછળ છોડીને મુંબઈ યાદીનાં ટોચનાં ૧૦ શહેરોમાં એકમાત્ર ભારતીય શહેર છે. સર્વેમાં નોંધાયું છે કે ૯૫ ટકાથી વધુ મુંબઈવાસીઓ સહમત થયા હતા કે તેમનું શહેર તેમને ખુશી-આનંદ આપે છે, જ્યારે ૯૦ ટકાથી વધુ લોકોએ કહ્યું કે તેઓ મુંબઈમાં લોકલ તહેવારો, કલા અને સામાજિક જીવનની હૂંફનો અનુભવ કરે છે.
કયાં પાંચ સ્ટેટમેન્ટ પર રૅન્કિંગ નક્કી થયું?
ટાઇમ આઉટ મુજબ હૅપીનેસ રૅન્કિંગ પાંચ સ્ટેટમેન્ટ પર અપાયેલા પૉઝિટિવ રિસ્પૉન્સ પર આધારિત હતું.
મારું શહેર મને ખુશ કરે છે.
બીજી કોઈ પણ જગ્યા કરતાં હું મારા શહેરમાં વધુ આનંદ અનુભવું છું.
મારા શહેરના લોકો આનંદમાં રહે છે.
મને રોજિંદા અનુભવોમાં આનંદ મળે છે.
મારા શહેરમાં આનંદની લાગણી તાજેતરમાં વધી છે.