27 November, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૅશનલ સિક્યૉરિટી ફોર્સ (NSG)એ ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ‘નેવરએવર’ થીમ પર આતંકવાદી ઘટનાનું પુનરાવર્તન થવા નહીં દઈએ એવી સામૂહિક પ્રતિજ્ઞાનો કાર્યક્રમ યોજ્યો હતો. એમાં મીણબત્તી લઈને અનેક લોકોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં મુંબઈના નાગરિકો સાથે પીડિતોના પરિવારના સભ્યોએ પણ ભાગ લીધો હતો.
૨૦૦૮ની ૨૬ નવેમ્બરે છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST), લિયોપોલ્ડ કૅફે, તાજમહલ હોટેલ, નરીમાન હાઉસ, ટ્રેડેન્ટ હોટેલ, કામા હૉસ્પિટલ, સાઉથ મુંબઈની આ હાઈ પ્રોફાઇલ જગ્યાઓએ અંધાધૂંધ ગોળીબાર અને મુંબઈ થયું રક્તરંજિત. આ દિવસ મુંબઈગરા ક્યારેય નહીં ભૂલે. આ ગોઝારી ઘટનામાં ૧૬૬ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગઈ કાલે આ ઘટનાનાં ૧૭ વર્ષ પૂરાં થયાં.
આતંકવાદીઓના આતંકને ડામવા મુંબઈ પોલીસના જવાનો શહીદ થયા હતા. બલિદાન આપનારા આ વીરોને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ-કમિશનર ઑફિસમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અનેક મુંબઈગરાઓએ CSMT, કામા અને આલ્બ્લેસ હૉસ્પિટલ અને પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલાં અન્ય સ્થળોએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
26/11 હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદ અને ઝકી-ઉર-રહેમાનને પાકિસ્તાનથી ઉપાડી લાવીને સજા આપો : ઉજ્જવલ નિકમ
26/11ના હુમલાની ૧૭મી વરસીએ જાણીતા ઍડ્વોકેટ અને રાજ્યસભાના સંસદસભ્ય ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂરની સફળતાથી પહલગામ હુમલાનો બદલો લેવાઈ ગયો. 26/11 મુંબઈ ટેરર અટૅક પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટિલજન્સ (ISI)ની મદદથી માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદ અને ઝકી-ઉર-રહેમાન લખવીએ કરાવ્યો હતો. તે બન્ને આતંકીઓને પણ ભારત લાવીને તેમના પર કાયદેસર કેસ ચલાવવો જોઈએ. કેટલાક અંશે એ ટેરર અટૅકના પીડિતોને ન્યાય મળ્યો છે, પણ એ હુમલાનું કાવતરું ઘડનારા હાફિઝ સઈદ અને ઝકી-ઉર-રહેમાન લખવી હજી પણ પાકિસ્તાનમાં છુપાયા છે. પાકિસ્તાન સતત ઢોંગ કરે છે કે એણે આ કેસમાં ૮ કે ૯ જણને પકડ્યા હતા, પણ એ પછી આ કેસનું શું થયું એની કોઈ જ જાણકારી નથી.’
મોટી સંખ્યામાં સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓ ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ઑપરેશન સિંદૂરનાં પોસ્ટર લઈને આતંકવાદ વિરોધી માર્ચમાં સામેલ થયા હતા.
શહેરની સુરક્ષા માટે ડ્રોન-યુઝ પૉલિસીની બ્લુપ્રિન્ટ તૈયાર
મુંબઈમાં સુરક્ષા મજબૂત બનાવવા માટે ડ્રોન-યુઝ પૉલિસીની બ્લુ પ્રિન્ટ તૈયાર થવામાં છે. કમાન્ડો યુનિટ ફોર્સ વન દ્વારા સેન્ટ્રલ એજન્સીઓની મદદથી આ કામગીરી આગળ વધી રહી છે જે ડ્રોન સર્વેલન્સને મજબૂત બનાવશે. એનો ઉપયોગ શહેર ઉપરાંત નક્સલી વિસ્તારોમાં પણ થશે.