ટ્રેલર જોઈને સમજી જાઓ કે પિક્ચરમાં કેવા હાલ થવાના છે

04 June, 2026 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસા પહેલાંના જરાક વરસાદમાં મુંબઈગરાઓની બુધવારની સવાર બગડી ગઈ, મૉન્સૂન માટે BMCએ કેવી તૈયારી કરી છે એ પણ ખબર પડી ગઈ ઃ અંધેરી સબવે ઉપરાંત મુંબઈમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં

ગઈ કાલે અંધેરી સબવેમાં ભરાયેલાં પાણી.

બુધવારે સવારે પ્રી-મૉન્સૂન વરસાદે મુંબઈગરાઓ પર કરેલાં ફક્ત અમીછાંટણાં જેવા વરસાદમાં જ મુંબઈમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ચોમાસા દરમ્યાન કેટલી વકરશે એ સ્પષ્ટ થઈ ગયું હતું. બુધવારે સવારે ૭ વાગ્યાથી ૮ વાગ્યા દરમ્યાન બોરીવલી, પવઈ, સાંતાક્રુઝ, અંધેરી, વરલી, મુલુંડ, ચેમ્બુર, વર્સોવા, થાણે, મીરા રોડ, બાંદરા અને કુર્લા સહિત મોટા ભાગના વિસ્તારોમાં ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જોકે સરેરાશ ફક્ત ૧.૨૫ મિલીમીટર વરસાદમાં જ મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવતા BMC દ્વારા ચોમાસા દરમ્યાન મુંબઈ પાણીમાં ગરકાવ ન થાય એ માટે કરેલી તૈયારીની પોલ ખુલ્લી પડી હતી. ગઈ કાલના વરસાદમાં અંધેરીનો સબવે બંધ કરી દેવામાં આવતાં સવારના પીક અવર્સ દરમ્યાન અહીંથી જતા લોકોને બીજા રૂટથી જવાની ફરજ પડી હતી,  જેને પગલે ટ્રાફિક જૅમ થયો હતો. પોલીસ અને BMC દ્વારા અહીં બૅરિકેડ્સ લગાવીને ટ્રાફિક ગોખલે બ્રિજ, ઠાકરે બ્રિજ અને એસ. વી. રોડ તરફ વાળવામાં આવ્યો હતો.

BMCએ ગટરમાંથી કાઢેલો ગાળ રસ્તા પર એમનેમ મૂકી રાખ્યો હોવાને લીધે અંધેરીમાં ફેલાયેલી ગંદકી.

વિપક્ષે કરી ટીકા
નજીવા વરસાદમાં આવી સ્થિતિ છે તો ચોમાસું શિરે હશે ત્યારે શું હાલત થશે એવો સવાલ મુંબઈગરાઓ ઉપરાંત વિપક્ષના નેતાઓએ પૂછ્યો હતો. આ મુદ્દે વિપક્ષે પણ ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત BMC પર નિશાન તાકીને BMCની ચોમાસાની તૈયારીઓની પોલ ખૂલી ગઈ હોવાની ટીકા કરી હતી. મુંબઈ કૉન્ગ્રેસનાં ભૂતૂપર્વ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે અને કૉન્ગ્રેસના સચિન સાવંતે પણ આ વિશે ટ‍્વિટ કરીને BMCને નિશાના પર લીધી હતી. સચિન સાવંતે BJPની ટીકા કરતાં કહ્યું હતું કે ચોમાસા પહેલાં નાળાસફાઈના મોટા દાવા કરનારી BJPની અને તેમના મેયરની પોલ પહેલા જ વરસાદમાં ખૂલી ગઈ છે. 

નાળાસફાઈ થઈ, ફક્ત કચરો ઊંચકવાનો બાકી હતો : BJPનો બચાવ
કૉન્ગ્રેસના નેતાઓએ અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવાની ટીકા કરતાં BJPના પ્રદેશ પ્રવક્તા નવનાથ બને સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે નાળાસફાઈ કરવામાં આવી હતી, ફક્ત બહાર કાઢેલો કચરો ઉપાડાયો નહોતો એટલે પાણી ભરાઈ ગયું હતું. 

આજે યલો અલર્ટ : પવન અને વરસાદનાં ઝાપટાંની આગાહી
સવારે વરસાદને કારણે થોડી ઠંડક થયા બાદ મુંબઈમાં દિવસ દરમ્યાન વાદળાં રહ્યાં હતાં અને ઉકળાટ પણ યથાવત્ રહ્યો હતો. આજે પણ હવામાન ખાતાએ શહેરમાં ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાંની આગાહી કરતાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે; જ્યારે પાલઘર જિલ્લામાં ભેજ અને થોડું ગરમ વાતાવરણ રહેશે એવી આગાહી છે. 

ચોમાસાનું તેડું લઈને આવ્યું મેઘધનુષ
બુધવારે સવારે પહેલી જ વખત મુંબઈએ ચોમાસા પહેલાંનો માતબર વરસાદ જોયો હતો. મુંબઈના રસ્તાઓ પાણીમાં એકાકાર થયા હતા ત્યારે આકાશમાં મેઘધનુષ દેખાતાં સુંદર દૃશ્ય સર્જાયું હતું. કુર્લામાં દેખાયેલું મેઘધનુષ જાણે ચોસામાના આગમનનો સંદેશ આપી રહ્યું હતું. 

સૌથી વધુ વરસાદ વર્સોવામાં ૬૯ મિલીમીટર 
મુંબઈમાં સૌથી વધુ વરસાદ વર્સોવામાં નોંધાયો હતો. વર્સોવામાં સવારે ૭ વાગ્યાથી ૮ વાગ્યા દરમ્યાન ૬૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાએ જણાવેલા આંકડાઓ મુજબ વેસ્ટર્ન સબર્બ્સમાં સરેરાશ વરસાદ ૯.૮૪ મિલીમીટર અને ઈસ્ટર્ન સબર્બ્સમાં ૧.૨૫ મિલીમીટર વરસાદ પડ્યો હતો.  

મુંબઈને પાણીપુર‍વઠો પૂરો પાડતાં જળાશયોમાં આટલો પાણીપુરવઠો
જળાશય    પાણીપુરવઠાની ટકાવારી
અપર વૈતરણા    ૦ ટકા
મોડકસાગર    ૩૩.૯ ટકા
તાનસા    ૧૦.૬ ટકા
મિડલ વૈતરણા    ૨૨.૨ ટકા
ભાત્સા    ૧૬.૬ ટકા
વિહાર    ૪૫.૭ ટકા
તુલસી    ૨૭.૧ ટકા 

પડી શકે પાણીનાં ફાંફાં, અપર વૈતરણામાં ૦ ટકા પાણી
આ વર્ષે ઓછા વરસાદની આગાહી છે ત્યારે હવે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં ૭ જળાશયોમાં પાણીનું સરેરાશ સ્તર ઘટીને ૧૫.૩ ટકા થઈઇ ગયું છે. મંગળવારે બહાર પડાયેલા આંકડા અનુસાર સાતેય જળાશયોમાં કુલ ૨.૨ મિલ્યન લીટર પાણીપુરવઠો હતો. જોકે છેલ્લાં બે વર્ષમાં ચોથી જૂન સુધી રહેલા પાણીપુરવઠાની સરખામણીમાં આ વર્ષે વધુ પુરવઠો છે. ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન મુંબઈનાં જળાશયોમાં ૧૨.૯ ટકા લીટર જ્યારે ૨૦૨૪માં ૭.૬ ટકા પાણીપુરવઠો હતો, જે આ વર્ષે સરેરાશ ૧૫.૩ ટકા છે. જોકે આ વર્ષે વરસાદ ઓછો પડવાની આગાહી છે એ ચિંતાનો વિષય છે.

આ જગ્યાએ વરસાદે કર્યો ટ્રાફિક જૅમ
અંધેરી સબવે બંધ થતાં ટ્રાફિકની સમસ્યા તો થઈ જ હતી, સાથે-સાથે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, વાકોલા, કાલિના, પવઈ અને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર પણ વરસાદને કારણે ટ્રાફિક ધીમો રહ્યો હતો. વિલે પાર્લે ફ્લાયઓવર અને મુલુંડ-કાંજુરમાર્ગ કૉરિડોર પર પણ ટ્રાફિકને લીધે વાહનોની લાંબી લાઇન લાગી હતી.

ચેમ્બુર-વડાલા ટનલ નજીક કાર સ્કિડ થઈ
ભીના રસ્તાના કારણે ઈસ્ટર્ન ફ્રીવે પર ચેમ્બુર અને વડાલા ટનલ નજીક એક કાર સ્કિડ થઈ હતી અને રસ્તાની બાજુની રેલિંગમાં ધસી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. અમુક વિસ્તારોમાં પહેલા વરસાદને કારણે ચીકણા થયેલા રસ્તાઓ પર ટૂ-વ્હીલર સ્લિપ થવાના બનાવો પણ બન્યા હતા.

૧૪થી ૧૯ જૂન દરમ્યાન સતત ૬ દિવસ દરિયામાં જોખમી હાઈ ટાઇડ: આ ચોમાસા દરમ્યાન ૨૪ વખત દરિયામાં આવી હાઈ ટાઇડ આવશે

આ વર્ષે જૂનથી સપ્ટેમ્બરના ચોમાસાના ૪ મહિના દરમ્યાન મુંબઈના દરિયામાં ૨૪ વખત જોખમી હાઈ ટાઇડ રહેશે, જેમાં ઊંચાં મોજાં ઊછળશે. ૧૪થી ૧૯ જૂન દરમ્યાન સતત ૬ દિવસ આવી જોખમી હાઈ ટાઇડ રહેશે એવી માહિતી BMCએ આપી હતી. જોખમી હાઈ ટાઇડ દરમ્યાન દરિયામાં સાડાચાર મીટર કરતાં વધુ ઊંચાં મોજાં ઊછળશે તથા ૧૬ જુલાઈએ હાઈ ટાઇડ દરમ્યાન સૌથી ઊંચાં મોજાં સમુદ્રમાં જોવા મળશે. આવા દિવસોએ લોકોને દરિયાકિનારા નજીક ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. 

૧. ૧૪ જૂન    સવારે ૧૧.૨૪    મોજાંની ઊંચાઈ ૪.૬૫ મીટર
૨. ૧૫ જૂન     બપોરે ૧૨.૧૪     મોજાંની ઊંચાઈ ૪.૮૦ મીટર
૩. ૧૬ જૂન     બપોરે ૧.૦૫     મોજાંની ઊંચાઈ ૪.૮૭ મીટર
૪. ૧૭ જૂન     બપોરે ૧.૫૫     મોજાંની ઊંચાઈ ૪.૮૬ મીટર
૫. ૧૮ જૂન     બપોરે ૨.૪૪     મોજાંની ઊંચાઈ ૪.૭૯ મીટર
૬ ૧૯ જૂન     બપોરે ૩.૩૨     મોજાંની ઊંચાઈ ૪.૬૪ મીટર

દુકાળ પડવાની આશંકા

જૂન અને ઑગસ્ટની વચ્ચે એક ખાસ વૈજ્ઞાનિક ઘટના આકાર લે એવી ૮૦ ટકા સંભાવના છે. એને કારણે વરસાદ ઘટી જાય એવું શક્ય છે. નવેમ્બર મહિના સુધી આ અસર રહેશે. આબોહવાનો આ બદલાવ માત્ર ભારત જ નહીં, પૅસિફિક મહાસાગરની આસપાસના દુનિયાના અનેક દેશો પર પણ પડશે. WMOના કહેવા મુજબ ભારત સહિત અનેક દેશોમાં ત્રણેક મહિના માટે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય એવાં એંધાણ છે. ભારતમાં વરસાદ માટે બીજી પણ બે ઍક્ટિવ સિસ્ટમ કાર્યરત હોય છે જેને ઇન્ડિયન ઓશન ડાયપોલ અને મેડેન-જુલિયન ઑસ્સિલેશન તરીકે ઓળખવામાં છે. આ બન્ને સિસ્ટમ વાદળાં અને હવાઓની એવી વૈશ્વિક સિસ્ટમ છે જે પૃથ્વીની ભૂમધ્યરેખાની આસપાસ ઘૂમે છે. એ જ્યારે ભારત પાસેથી પસાર થાય ત્યારે નબળા વરસાદમાં પણ ભારે વરસાદી તબક્કાઓ લઈને આવી શકે છે. WMOની આગાહી પર સક્રિય પગલાં લેવા માટે ભારતના કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તમામ રાજ્યો અને સંબંધિત એજન્સીઓને નિર્દેશ કર્યો છે કે ‘સામાન્યથી ઓછો વરસાદ પડવાનો હોવાથી એ માટે જિલ્લાસ્તરનો પ્લાન તૈયાર કરીને લાગુ કરવામાં આવે. ખેડૂતોને મોસમમાં આવનારા બદલાવ વિશે જાણકારી પહોંચાડવા માટે ડિજિટલ અને કૉલસેન્ટર સેવાઓ મજબૂત કરવામાં આવે.’

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai rains monsoon news mumbai monsoon andheri mumbai traffic indian meteorological department