17 April, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
રવિવારના રોજ મુંબઈના કાંદિવલી (પૂર્વ)ની એક હાઉસિંગ સોસાયટીએ આરે જંગલમાં ૨૦ શ્વાનો, જેમાં છ નાનાં ગલૂડિયાં પણ સામેલ છે, તેમને છોડી દીધા હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસે સોસાયટી વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ નોંધી છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોવા મળ્યું કે એક મિની ટ્રકમાંથી આરે જંગલમાં શ્વાનોને છોડવામાં આવી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ ઘટનાની જાણ થતાં મંગળવારે રાત્રે ઍનિમલ રાઇટ્સ ગ્રુપ `પીપલ ફોર ઍનિમલ્સ`ના કાર્યકરો આરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક શ્વાનને બચાવ્યો તેને ફોસ્ટર હૉમમાં મોકલી દીધો. ત્યારબાદ, બુધવારે વહેલી સવારે ફરી જંગલમાં ગયા અને બીજા શ્વાનોને શોધવાનો પ્રયાસ કર્યો હતો.
પીપલ ફૉર ઍનિમલ્સના અધ્યક્ષ વિજય રણગારેનો નિવેદન
પીપલ ફૉર એનિમલ્સના પ્રમુખ અને માનદ પ્રાણી કલ્યાણ અધિકારી વિજય રણગારેએ જણાવ્યું હતું કે પોલીસે સમર્થ નગર સહકારી ગૃહનિર્માણ સોસાયટી (SRA) ના ખજાનચી અને બે કમિટી મેમ્બર્સ સહિત ચાર વ્યક્તિઓ સામે પ્રાણી પીડા નિવારણ અધિનિયમની કલમ 11 હેઠળ FIR નોંધાયો છે. જો કે, પીપલ ફૉર ઍનિમલ્સે જણાવ્યું હતું કે તેમણે પોલીસને ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 325 હેઠળ પણ આરોપીઓની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની વિનંતી કરી છે. આ કલમ પ્રાણીઓને અપંગ બનાવવા અથવા તેમને નુકસાન પહોંચાડવા બદલ આરોપીઓને સજા આપે છે. "આરેમાં ખુલ્લેઆમ દીપડાઓ ફરે છે. જો તમે કોઈ પ્રાણીને જંગલમાં છોડી દો છો, તો તેનો હેતુ સ્પષ્ટપણે તેમને મારી નાખવાનો છે," રણગારેએ કહ્યું.
પ્રાણી અધિકાર કાર્યકર્તાનું નિવેદન
મંગળવારે સાંજે જંગલમાં પહોંચેલી પ્રાણી અધિકાર કાર્યકર્તા રેશ્મા શેલતકરે જણાવ્યું હતું કે તેને શંકા છે કે આ વિસ્તારમાં પાળેલા પ્રાણીઓને નિયમિતપણે છોડી દેવામાં આવે છે. "હું જયારે આરે વિસ્તારમાં પ્રાણીઓને ખવડાવવા જાઉં છું, ત્યારે દર વખતે નવા શ્વાનો જોવા મળે છે અને પછી તે ગાયબ થઈ જાય છે; મને એવું લાગે છે કે તેમને કદાચ દીપડાઓ ઉપાડી જતાં હશે," શેલતકરે જણાવ્યું હતું. સમતા નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે, તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે બચાવવામાં આવેલા કૂતરાંને ફોસ્ટર હોમ મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસ તપાસ ચાલુ
સમતાનગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના અંગે તપાસ ચાલુ છે અને સોસાયટીના ખજાનચી અને બે કમિટી મેમ્બરો સહિત ચાર વ્યક્તિઓ સામે FIR નોંધાયો છે.