21 February, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈમાં એક વ્યક્તિએ તેના કઝિનની સગીર પુત્રી પર વારંવાર બળાત્કાર કરીને તેને પ્રેગ્નન્ટ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાંદરા-ઈસ્ટમાં આવેલા નિર્મલનગર પોલીસ-સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આરોપ કર્યો છે કે તેના અંકલે (પપ્પાના કઝિન) તેના પર વારંવાર બળાત્કાર કર્યો હતો અને એનાથી તે પ્રેગ્નન્ટ થઈ છે. બૉયફ્રેન્ડ સાથે પોતાનો ફોટો અંકલે જોઈ લીધા બાદ આ બાબતે બધાને જાણ કરવાની ધમકી આપીને મમ્મી-પપ્પા ઘરે ન હોય ત્યારે તેણે બળાત્કાર કર્યા હતા. આ સિલસિલો ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનાથી શરૂ થયો હતો. તેણે અંકલનો પ્રતિકાર કર્યો ત્યારે તેમણે બેલ્ટથી મારપીટ પણ કરી હોવાથી સગીરાએ આ વાત કોઈને કહી નહોતી અને સહન કરતી રહી હતી. જોકે વારંવારના બળાત્કારને લીધે તે પ્રેગ્નન્ટ થઈ હતી. ૧૮ વર્ષની ઉંમર થતાં તેનાં બૉયફ્રેન્ડ સાથે લગ્ન થયાં હતાં. લગ્ન બાદ પણ અંકલે ધમકાવીને શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી એટલે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
નિર્મલનગર પોલીસ-સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા મુજબ બાંદરા-ઈસ્ટમાં રહેતી એક વ્યક્તિ સામે તેના જ કઝિનની સગીર પુત્રી પર બળાત્કાર કરવા બદલ વિવિધ કલમ અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.